જિલ્લા પંચાયતની સાતેય બેઠક ભાજપે કબ્જે કરી : તાલુકા પંચાયતની 20માંથી 15 ભાજપ, 4 કોંગ્રેસ અને 3 આમ આદમી પાર્ટીના ફાળે આવી
ગઢડા તાલુકામાં સ્થાનિક પંચાયતીરાજની ચૂંટણીઓ બાદ મત ગણતરીના અંતે તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. તેમજ પરિણામો જાહેર થતા પુન: ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી સાશન માટે સફળતા પ્રાપ્ત કરી છે. રસપ્રદ બનેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભલભલા રાજકીય પંડિતો માથું ખંજવાળે તેવા જાહેર થયેલા પરિણામોથી ભારતીય જનતા પાર્ટી કેટલીક બેઠકો ગુમાવશે તેવા અંદાજ ખોટા પડ્યા હતા. આ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ ક્યાંક અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી, જ્ઞાતિવાદી સમીકરણો અને સતાધારી પક્ષ તેમજ ટિકિટ ફાળવણીનો અસંતોષ વગેરે જેવા મુદ્દાઓ નિષ્ફળ રહેતા ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહેવા પામેલ છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સમીકરણ અત્યાર સુધીના ચૂંટણી પરિણામો મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પણ સરવાળે ભારતીય જનતા પાર્ટીની સફળતા માટે કારણભૂત બનવા પામેલ છે. આ ચૂંટણી માટે ગઢડા તાલુકામાં સમાવિષ્ઠ જિલ્લા પંચાયતની સાતેય તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થવા પામેલ છે. તેમજ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માંથી 15 ભારતીય જનતા પાર્ટી, 4 કોંગ્રેસ અને 3 આમ આદમી પાર્ટીના ફાળે આવતા ગત ટર્મની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતમાં એક બેઠક ઓછી, કોંગ્રેસે બે બેઠક ઓછી મેળવી છે. જેની સામે આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
