ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર પાલીતાણાની અનાથ દિકરીના લગ્ન માટે ખુદ સીએમ સંવેદનશીલ બન્યા : સ્થાનીક તંત્રને દોડાવ્યું


સોશિયલ મીડિયામાં એક અપીલે ચમત્કાર સજાર્યો પ્રાંત અધિકારીએ લગ્નમાં હાજરી આપી શુભેચ્છા પાઠવી

ભાવનગર જિલ્લાના પાલીતાણાની એક ગરીબ પરિસ્થિતિમાં જીવતી દીકરીના લગ્ન પ્રસંગે માનવતાનો સ્પર્શ જોવા મળ્યો છે. માતા-પિતાના સ્નેહથી વંચિત બે બહેનો – પૂજાબેન અને તેની નાની બહેન પાયલ -દાદીમાના આશ્રય હેઠળ જીવન વિતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં લગ્નનો પ્રસંગ પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયો હતો.
આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચતા તેમણે તરત જ સંવેદના વ્યક્ત કરી અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું, તંત્રની ટીમે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી પરિવારની પરિસ્થિતિ જાણવાની સાથે સહાય માટે તત્પરતા દર્શાવી.
સોશિયલ મીડિયા પર કરાયેલ એક નમ્ર અપીલે ચમત્કાર સર્જ્યો છે. અજાણ્યા હોવા છતાં દિલથી જોડાયેલા અનેક દાતાઓએ આગળ આવી પૂજાબેનના લગ્નને યાદગાર બનાવવાનો નિર્ધાર કર્યો છે. તળાજાના પાવઠી ગામના અલખધણી ગ્રુપે ભોજન અને કરિયાવરની જવાબદારી સંભાળી, તો ગારિયાધારના જાળિયા ગામના મયુરી મંડપે લાઇટ, ડેકોરેશન, વાસણ અને ડી.જે. જેવી વ્યવસ્થાઓ કરી દીધી.
ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા પરિવાર સાથે સંપર્ક કરતાં હવે તેમના ચહેરા પર ચિંતા નહીં પરંતુ સંતોષ અને આભારની લાગણી ઝળહળી રહી છે. પરિવારજનોએ જણાવ્યું કે હાલ કોઈ વધારાની જરૂરિયાત નથી અને જરૂર પડશે તો તેઓ તંત્રનો સંપર્ક કરશે. ત્યારે પાલીતાણા પ્રાંત અધિકારીએ પૂજાબેનના લગ્નમાં હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.
આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે સંવેદના, સહકાર અને માનવતા એક થાય છે ત્યારે કોઈપણ મુશ્કેલી મોટી રહેતી નથી. મુખ્યમંત્રીશ્રીની લાગણી અને સમાજના સહયોગે એક દીકરીના સપનાને સાચા અર્થમાં સાકાર કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ