લાલપુરના બાબરીયામાં ખનીજ ચોરી પકડાઈ: ત્રણ મશીન કરાયા કબ્જે

રૂા.8 લાખનો દંડ વસુલવા કડક કાર્યવાહી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરનાર સામે જામનગર એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન પથ્થર કાઢવાના ત્રણ મશીન કબ્જે કરવામાં આવ્યા છે તેમજ ગેરકાયદેસર ખોદકામ બદલ અંદાજિત રૂા. 8,00,000 નો દંડ વસુલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
એસઓજી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બાબરીયા ગામે નુરમામદ મુંગર અલારખા સમા દ્વારા પથ્થરની લીઝ મંજૂર થયેલી જગ્યાની બહાર ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે જામનગર ખાણ ખનીજ વિભાગ તથા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી દ્વારા મંજૂર લીઝ વિસ્તાર સિવાયની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે પથ્થરો કાઢવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પથ્થર કાઢવાના ત્રણ મશીન (ચકરડી) કુલ રૂા. 75,000 કિંમતના કબ્જે લેવામાં આવ્યા હતા. સાથે જ મંજૂર વિસ્તારની બહાર કેટલું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું છે તેની માપણી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે રૂા. 8,00,000 નો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.

રિલેટેડ ન્યૂઝ