રવિવારે અન્ય કોઈ ઉમેદવારના ફોર્મ ભરાયા નહીં: કારોબારી ચેરમેન, દંડક સહિતના હોદ્ાઓ પર બિનહરીફ વરણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી જુદી જુદી ચાર તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં એકમાત્ર કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. ત્યારે સોમવારે યોજનારી પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં રવિવારે અન્ય કોઈ ઉમેદવારના ફોર્મના ભરાતા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના જાહેર થયેલા નામો બિનહરીફ રીતે મંજુર થાય તેવી એવું ચિત્ર જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 24 પૈકી 11 ઉમેદવારો કોંગ્રેસના જ્યારે નવ સભ્ય ભાજપના અને ચાર સભ્ય આમ આદમી પાર્ટીના વિજેતા બન્યા છે. ત્યારે આગામી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે આવતીકાલે સોમવારે બપોરે 11 વાગ્યે કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે અધ્યાસી અધિકારી ગોહેલના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદ માટે કોંગ્રેસના પુરીબેન બાબુભાઈ ગોજીયા અને ઉપપ્રમુખ તરીકે લાખીબેન રામભાઈ કરમુરના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આજરોજ રવિવારે ફોર્મ ભરવાના અંતિમ દિને કોંગ્રેસના ઉપરોક્ત બંને ઉમેદવારો સિવાય અન્ય કોઈ ઉમેદવારના ફોર્મના આવતા આવતીકાલે યોજનારી ખાસ બેઠકમાં ઉપરોક્ત બંને ઉમેદવારો બિનહરીફ થનાર છે. આ સાથે કારોબારી ચેરમેન તરીકે અલ્પાબેન વિનોદભાઈ કરમુર, દંડક તરીકે ગંગાબેન જયસુખભાઈ ખાણધર અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગોગનભાઈ ભીખાભાઈ રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે.
ગોઠવણમાં ભાજપ ટૂંકુ પડયું
કલ્યાણપુર તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા બહુમતી માટે 13 સભ્યો અનિવાર્ય છે. ત્યારે કોંગ્રેસની લોગ અલગ નવ સભ્યો મેળવનારા ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ચાર સભ્યો અને તોડજોડ કરીને કોંગ્રેસના સભ્યનો સાથ મેળવવામાં નિષ્ફળ રહ્યો હોય તેવું ચિત્ર જોવા મળે છે. આ માટે કોંગ્રેસ દ્વારા પરિણામો જાહેર થયા બાદ જ સમગ્ર આયોજન કરી અને આમ આદમી પાર્ટીના સભ્યોનો સહારો લઈ સુવ્યવસ્થા આયોજન બાદ આ સફળતા મળી છે. જિલ્લામાં રાવલ નગરપાલિકા બાદ કલ્યાણપુર તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલીયાના વડપણ હેઠળ કોંગ્રેસને આ સફળતા મળી છે.
