વિસાવદરમાં આઉટસોર્સિંગ એજન્સી, વહીવટી તંત્રની મિલીભગત સામે રોષ

કરાર આધારીત ભરતી પ્રણાલીથી શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી

વિસાવદરમાં આઉટ સોર્સિંગ એજન્સી અને વહીવટીતંત્રની મિલીભગત સામે શિક્ષિત બેરોજગારોમાં રોષ ભભુકયો છે. કરાર આધારીત ભરતી પ્રણાલીથી શિક્ષિત બેરોજગારીની સંખ્યામાં વધારો થયો છે.વતેમાન સરકાર દ્વારા રોજગાર આપવામાં નિષ્ફળતા અને ત્યારબાદ ઉભી કરવામાં આવેલી ‘મલાઈદાર’ આઉટસોર્સિંગ અને કરાર આધારિત ભરતી પ્રણાલીએ આજે હજારો શિક્ષિત બેરોજગારોના જીવનને અંધકારમય બનાવી દીધું છે.તે અત્યંત ચિંતાજનક અને શરમજનક છે.આ વ્યવસ્થામાં સૌથી મોટો ખેલ પગાર ચૂકવણીના નામે રમાઈ રહ્યો છે. ઓન-પેપર લઘુતમ વેતન બતાવ્યા બાદ, એજન્સીઓ દ્વારા કર્મચારીઓ પાસેથી રોકડમાં મોટી રકમ પાછી લેવાની ઘાલમેલ ખુલ્લેઆમ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ, એજન્સીઓના માલિકોની રાજનેતાઓ સાથેની સાંઠગાંઠને કારણે કોઈ પણ તપાસ કે ફરિયાદની અસર થતી નથી. એક તરફ શિક્ષિત યુવાનોની લાંબી ફોજ છે જે ગુજરાન ચલાવવા મજબૂરીમાં કોઈપણ શરતે કામ કરવા તૈયાર છે, અને બીજી તરફ આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને ગુલામો જેવું વર્તન કરવામાં આવે છે.માત્ર કામના કલાકોની અનિશ્ચિતતા જ નહીં, પરંતુ કર્મચારીઓ પાસે ઓફિસના કામની સાથે માલિકોના અંગત ઘરકામ કરાવવા સુધીની હદે શોષણ વધી ગયું છે. આ કરાર આધારિત વ્યવસ્થામાં ઈ.પી.એફ. કે ઈ.એસ.આઈ.સી. જેવી પાયાની સુવિધાઓ માત્ર કાગળ પર રહે છે, જ્યારે વાસ્તવમાં કર્મચારીને કોઈ જ સુરક્ષા પ્રાપ્ત નથી. આ શિક્ષિત બેરોજગારો પ્રત્યેનું હડધૂત વલણ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.આ અન્યાયી વ્યવસ્થાને બદલવા માટે સરકાર તાત્કાલિક અસરથી પગલાં લે તેવી માંગ છે. વચેટિયાઓની આ સિસ્ટમને નાબૂદ કરી સરકારી ચૂકવણું સીધું કર્મચારીના ખાતામાં (ઉઇઝ) જમા થાય તેવી પારદર્શક વ્યવસ્થા કરવામાં આવે. જો આ શોષણખોર પ્રથાને ત્વરિત ધોરણે ડામવામાં નહીં આવે, તો આ હજારો શોષિત યુવાનો પોતાના હક અને ગૌરવ માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર બનશે.

રિલેટેડ ન્યૂઝ