ચોરખાના વાળા ટ્રેકટર સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર તાજેતરમાં એક ખાનગી ક્ધસ્ટ્રક્શન કંપનીની સાઈટમાંથી રૂ. 15 લાખની કિંમતના લોખંડના સળિયાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી મીત રુદલાલ તેમજ ખંભાળિયા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણાના વડપણ હેઠળ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી કેમેરામાં ફૂટેજની ચકાસણી તેમજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની મદદથી કરવામાં આવેલી કામગીરીમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ પ્રકરણમાં ખંભાળિયા – દ્વારકા માર્ગ પર આવેલા કુવાડીયા ગામના પાટીયા પાસે રહેલા એક ગોડાઉનમાં ચેકિંગ કરતા આ સ્થળેથી ચોરીના લોખંડના સળિયા મળી આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં અગાઉ ખંભાળિયા નજીકની એક જમીન ઉપર આવેલી શ્રી ગુરમુખદાસ ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સાઈટમાં નોકરી કરી ચૂકેલા મૂળ બિહારના આલમનગર તાલુકાના બસંતબાર ગામના મૂળ રહીશ એવા સુનીલ સીયારામ શાહ (ઉ.વ. 45) અને નિર્મલ સુનિલ શાહ (ઉ.વ. 19) તથા હરિયાણા રાજ્યના તાલમગઢ તાલુકાના ફરીદાબાદ ખાતેના મૂળ રહીશ એવા અમિત સુરેન્દ્ર શર્મા (ઉ.વ. 35) ને દબોચી લીધા હતા.
આ શખ્સો પાસેથી પોલીસે ચોરીના રૂપિયા 15 લાખની કિંમતના આશરે 25 હજાર કિલો ગ્રામ જેટલા લોખંડના સળિયા તથા ચોરખાના વાળી ટ્રોલી સાથેનું રૂપિયા પાંચ લાખની કિંમતનું એક ટ્રેક્ટર તથા રૂપિયા 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 20,10,500 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી અહીંના પી.આઈ. સી.આર. રાણા, પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા, હેમતભાઈ નંદાણીયા, કનુભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, અરજણભાઈ આંબલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
