બગસરા વોર્ડ નં. 2 અને 3ના ભાજપના જ મહિલા સદસ્યો વચ્ચે તીખી તકરાર

નગરપાલિકામાં પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન આંતરિક ડખો

ચોમાસાની ઋતુ નજીક આવતા જ બગસરા નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે નાલા અને ગટર સફાઈની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ જનહિતની કામગીરી દરમિયાન જ શાસક પક્ષ ભાજપના આંતરિક વિખવાદો સપાટી પર આવ્યા છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ના નાલાઓની સફાઈની કામગીરી બાબતે ભાજપના જ ત્રણ મહિલા સદસ્યો વચ્ચે અંદરોઅંદર ઉગ્ર ઝઘડો થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી વિગતો મુજબ, નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 અને 3 ના વિસ્તારોમાં નાલા સફાઈનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન કઈ રીતે કામગીરી કરવી તે બાબતે બંને વોર્ડના મહિલા સદસ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. એક જ પક્ષના હોવા છતાં, મહિલા પ્રતિનિધિઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે મામલો ઉગ્ર તકરાર સુધી પહોંચી ગયો હતો. લોકોમાં ચર્ચા મુજબ પ્રિ-મોન્સૂનની ગંભીર કામગીરી વચ્ચે શાસક પક્ષના જ સભ્યો વચ્ચેનો આ આંતરિક ઝઘડો નગરપાલિકાના હોદ્દેદારો અને પક્ષના સંગઠન માટે ભારે ક્ષોભજનક સ્થિતિ ઊભી કરનારો સાબિત થયો છે. આ વિવાદ એટલી હદે વધી જતા સેનેટરી અધિકારીએ આવી ને મામલો થાળે પડ્યો હતો. સ્થાનિક રહીશોમાં પણ ચર્ચા છે કે જો લોકપ્રતિનિધિઓ અંદરોઅંદર જ લડતા રહેશે, તો ચોમાસા પહેલાં શહેરની સફાઈ કામગીરી સમયસર કેવી રીતે પૂરી થશે? આ સમગ્ર મામલો હવે પક્ષના મોવડી મંડળ સુધી પહોંચે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં આ વિવાદ શાંત પડે છે કે પછી વધુ વકરે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

રિલેટેડ ન્યૂઝ