નાગેશ્ર્વર રોડ પર કારે રીક્ષાને ઠોકર મારતા બે મુસાફરને ઇજા પહોંચી
મીઠાપુરના ભીમરાણા ગામ નજીક કારે બાઇકને ઠોકરે લેતા માતા પુત્રને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી વૃધ્ધાએ સારવારમાં દમ તોડયો હતો. પોલીસે મહારાષ્ટ્ર પાસીંગના કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. જયારે નાગેશ્વર રોડ ઉપર કારે રીક્ષાને ઠોકર મારતા બે મુસાફરને ઇજા પહોંચી છે.
દ્વારકા તાબેના આંબેડકર નગર વિસ્તારમાં જૂની નગરપાલિકા પાછળ રહેતા સામતભાઈ સીયાભાઈ ચાનપા નામના 51 વર્ષના આધેડ ગત તારીખ 22 મે ના રોજ તેમના માતા જેઠીબેન સીયાભાઈ ચાનપા (ઉ.વ. 76) ને સાથે લઈને તેમના જી.જે. 37 એમ. 4870 નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલથી નીચે ઉતરતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક મોટરકારના ચાલકે ફરિયાદી સામતભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક સામતભાઈને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત તેમના માતા જેઠીબેનને પણ માથાના ભાગે તેમજ હાથમાં ઇજાઓ થતાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને તેમના ઘરે ચાલુ સારવાર અને બેડરેસ્ટ વચ્ચે શનિવાર તા. 20 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે મૃતકના પુત્ર સામતભાઈ ચાનપાની ફરિયાદ પરથી મોટરકારના ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. કે.એસ. ગરચર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખાખરડા ગામે પવનચક્કીની કંપનીના કર્મચારી પર હુમલો
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પવનચક્કીની એક ખાનગી કંપની દ્વારા પવનચક્કીના ફાઉન્ડેશન બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ સ્થળે મોટરસાયકલ પર ધસી આવેલા પટેલકા ગામના વેજા કરંગીયા નામના શખ્સ દ્વારા અહીં રહેલા કંપનીના કર્મચારી અને સુરતના મૂળ રહીશ તથા હાલ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા નિતેશ ઓમપ્રકાશ સિંગ રાજપુત (ઉ.વ. 37) સહિતના કર્મચારીઓને બિભત્સ ગાળો ભાંડી, પથ્થરના ઘા મારતા તેમને ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે વેજા કરંગીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ કરી છે.
મોટરકારની ઠોકરે રીક્ષા સવાર યાત્રાળુઓ ઘાયલ
મીઠાપુર નજીકના નાગેશ્વર રોડ ઉપર એક રીક્ષામાં બેસીને જઈ રહેલા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રહીશ અનિરુદ્ધસિંહ ચનાજી ચાવડા (ઉ.વ. 34) તથા તેમના પરિવારજનો રીક્ષામાં ગોપી તળાવથી બેટ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે નાગેશ્વર રોડ ઉપરના માર્ગ પર ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. 05 જે.એલ. 9602 નંબરના આર્ટિગા મોટરકારના ચાલકે રીક્ષાને સામેથી ટક્કર મારી હતી. જેના કારણે રીક્ષામાં જઈ અનિરુદ્ધસિંહને માથાના ભાગે તથા ગીતાબાને પગમાં ફ્રેકચર તેમજ અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસ આર્ટિગા મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતી ત્રણ મહીલા સહીત પાંચ ઝડપાયા
મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ઝરીના ઈબ્રાહીમ પાલેજા, રેશ્માબેન ઈબ્રાહીમ પાલેજા, નૈણાબેન નાથાભા માણેક, આદમ જીકરભાઈ બેતારા અને તાલબ દાઉદ સપ નામના પાંચ વ્યક્તિઓને ઝડપી લઈ, કુલ રૂ. 2,550 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
