માતા સાથે ઝઘડો થતા ઘર છોડીને નીકળી ગઈ હોવાનું જણાવ્યું
દ્વારકાની કિશોરીને પોરબંદર 181 ની ટીમ દ્વારા મદદ કરવામાં આવી હતી.
માતા સાથે બોલાચાલી થતાં ઘરેથી નીકળી ગયેલી અને ટ્રેન મારફત પોરબંદર આવી પહોંચેલી દ્વારકા જિલ્લાની એક કિશોરીને 181 અભયમ ટીમે સાંત્વના આપી સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.પોરબંદર શહેરમાંથી એક જાગૃત મહિલાએ રેલ્વે સ્ટેશન પર એકલી બેઠેલી કિશોરીની સુરક્ષાને ધ્યાને લઈને 181 અભયમ હેલ્પલાઈન પર મદદ માંગી હતી. કોલ મળતાં જ 181 અભયમ ટીમના કાઉન્સેલર મીરા માવદિયા અને પાયલોટ દાનાભાઈ કટારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.ટીમે કિશોરીને વિશ્વાસમાં લઈ સાંત્વના આપી.પૂછપરછ કરતા કિશોરી દ્વારકા જિલ્લાની વતની હોવાનું જાણવા મળ્યું.કાઉન્સેલિંગ દરમિયાન કિશોરી જણાવ્યું કે,માતા સાથે બોલાચાલી થતા તે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને ટ્રેન મારફત પોરબંદર પહોંચી હતી.અહી આવ્યા બાદ તે ડરી ગઈ હતી.ઘરે પાછા જવાની ઈચ્છા હોવા છતા ટિકિટના પૈસા ન હોવાથી તે રેલ્વે સ્ટેશન પર જ બેસી રહી હતી.કાઉન્સેલર મીરા માવદિયાએ કિશોરીને વર્તમાન સમયમાં બનતા બનાવો અંગે સમજાવી પ્રોત્સાહન આપ્યું. પરિવારનો મોબાઈલ નંબર યાદ ન હોવાથી ટીમે તાત્કાલિક દ્વારકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસના સહયોગથી પરિવારનો કોન્ટેક્ટ નંબર મેળવી માતા સાથે વાતચીત કરી તેમની પુત્રી સુરક્ષિત હોવાની જાણ કરી. કિશોરીના ભાઈ સાથે વાત કરી સખી વન સ્ટોપ સેન્ટર, પોરબંદરનું સરનામું આપવામાં આવ્યું.પરિવાર તેડવા ન આવે ત્યાં સુધી કિશોરીની સુરક્ષાને ધ્યાને લઈને પાયલોટ દાનાભાઈ કટારાના સહયોગથી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરીમાં કાઉન્સેલર મીરા માવદિયા અને પાયલોટ દાનાભાઈ કટારાની સંવેદનશીલતા અને ત્વરિત કાર્યવાહીના કારણે એક કિશોરીને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. કોઈપણ મહિલા કે બાળક મુશ્કેલીમાં હોય ત્યારે 24/7 કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનની મદદ લઈ શકે છે.
