કાલસારી ફીડર છેલ્લા પાંચ દિવસથી બંધ : જો સમસ્યાનો હલ નહીં થાય તો આંદોલનની ચીમકી
સમગ્ર પંથકમાં વીજતંત્રની ગંભીર બેદરકારી અને અધિકારીઓની મનસ્વી કામગીરીને કારણે સામાન્ય નાગરિકોની સાથે હવે મુંગા પશુઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, છતાં વીજ કંપનીના અધિકારીઓ ‘કુંભકર્ણની નિદ્રા’માં પોઢી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલસારી ફીડર છેલ્લા પાંચ દિવસથી સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે સ્થાનિકોને પીવાનું પાણી મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. બીજી તરફ, સત્યા ફીડર (મંડોરીયા) પણ છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી મંડોરીયા પાંજરાપોળ ગૌશાળામાં રાખવામાં આવેલ અબોલ પશુધનના પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. વીજળીના અભાવે પાણીની મોટર ન ચાલતા પશુઓને પીવાનું પાણી ન મળતા તેમની હાલત કફોડી થઈ ગઈ છે.
આ અંગે ખેડૂતો અને ગ્રામજનોએ અનેકવાર ફોલ્ટ નોંધાવ્યા છે અને અધિકારીઓને ફોન દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની (ઙૠટઈક)ના સ્થાનિક અધિકારીઓની આ તાનાશાહી અને ઉદાસીનતાને કારણે ખેડૂતોને ચોમાસાની આ સિઝનમાં બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. એક તરફ ખેતીના કામો ઠપ છે, તો બીજી તરફ પશુઓના જીવ જોખમમાં મુકાયા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, વહીવટી તંત્ર અને વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરવા અપીલ કરવામાં આવી છે. આ બાબતે હવે કલેકટર કચેરીમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો ટૂંક સમયમાં વીજ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો ગ્રામજનો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વહીવટી તંત્રના બહેરા કાને આ રજૂઆત પહોંચે અને તાત્કાલિક ધોરણે મંડોરીયા અને કાલસારી વિસ્તારના ફીડરો શરૂ કરી પશુધન તથા ગ્રામજનોને પડતી હાલાકીનો અંત આવે તેવી લોક માંગ ઉઠી છે.
