અમરેલી જિલ્લાના દામનગર, સાવરકુંડલા, લાઠી, લીલીયા અને કુકાવાવ પંથકમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ

દામનગર પંથકમાં ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચલાકો ભારે પરેશાન

અમરેલી જિલ્લામાં આજે સોમવારે ફરી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર તેમજ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દામનગર, સાવરકુંડલા, લાઠી, લીલીયા અને કુકાવાવ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લાઠી તાલુકાના દામનગર શહેરમાં આજે બે દિવસના વિરામ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી નદી માફક વહેવા લાગ્યા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લાઠી અને લીલીયા પંથકમાં પણ સારા વરસાદના સમાચાર મળ્યા છે. લીલીયા તાલુકાના એકલેરા, ગુદરણ સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે લાઠી તાલુકાના ઈંગોરાળા, હાવતડ સહિતના ગામોમાં પણ વરસાદ વરસતાં ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.
જયારે જિલ્લાના કુકાવાવ પંથકમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં અમરાપુર, બરવાળા બાવીસી સહિતના ગામોમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી બફારાથી પરેશાન લોકોને વરસાદથી રાહત મળી હતી.
બીજી તરફ સાવરકુંડલા પંથકમાં આશરે 12 કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાએ આગમન કર્યું હતું. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક માર્ગો પાણીથી છલકાઈ ગયા હતા.
સાવરકુંડલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી. સતત વરસેલા વરસાદને કારણે શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પાણીની આવકમાં ભારે વધારો નોંધાયો હતો અને બીજા દિવસે પણ નદી ઘોડાપુરના દૃશ્યો સર્જાયા હતા.
નાવલી નદી પર આવેલા પુલ ઉપરથી પાણી વહેતા થતાં વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી. પૂરના જોરદાર પ્રવાહમાં નદી કિનારે આવેલો એક વિજપોલ ધરાશાયી થયો હતો. વિજપોલ પાણીમાં તૂટી પડતો લાઇવ વીડિયો સ્થાનિકોના મોબાઇલ કેમેરામાં કેદ થયો હતો, જે સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયો છે.

રિલેટેડ ન્યૂઝ