નજીક મંદિર અને બટુક ભોજનમાં આવતા બાળકોને અકસ્માતનો ભય
ઉના તાલુકાના સનખડા ગામમાં આવેલું આશરે 80 વર્ષ જૂનું ટેલિફોન એક્સચેન્જનું મકાન અત્યંત જર્જરિત બની જતાં ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. મકાનની હાલત એવી બની ગઈ છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ જર્જરિત મકાનને તોડી નવી ઇમારત બનાવવાની માંગ ઉઠી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ટેલિફોન એક્સચેન્જની બાજુમાં હનુમાન ગલી આવેલી છે, જ્યાં દર શનિવારે યોજાતા બટુક ભોજનમાં આશરે 400થી 500 બાળકો હાજરી આપે છે. આ ઉપરાંત નજીકમાં કંકુમા માતાનું મંદિર આવેલું હોવાથી દિવસભર શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં જો જર્જરિત મકાનનો કોઈ ભાગ તૂટી પડે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
સ્થળ પર ઇજગકનો મોબાઇલ ટાવર પણ બંધ હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પરિણામે ટેલિકોમ સુવિધાનો પૂરતો લાભ પણ મળતો નથી, જ્યારે જર્જરિત ઇમારત માત્ર જોખમરૂપ બની રહી છે.
ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત સંબંધિત વિભાગનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસાની ઋતુમાં મકાન વધુ નબળું બન્યું હોવાથી તાત્કાલિક તકેદારીના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર, ઇજગક અને સંબંધિત વિભાગને અપીલ કરી છે કે સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરીને જોખમી મકાનને દૂર કરવામાં આવે તથા નવી સુરક્ષિત ઇમારતનું નિર્માણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય.
