વેરાવળના ભાલકા તીર્થ મંદીર પાસે ટુરીસ્ટ ટેકસી ડ્રાઇવર પર હુમલો

મોટર સાયકલ સવાર યુવકે કાર રોકી બોલાચાલી કરી જીવલેણ હુમલો કર્યો

વેરાવળના ભાલકા તીર્થ મંદિર નજીક ટુરિસ્ટ ટેક્સી ડ્રાઇવર પર એક શખ્સે જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ડ્રાઇવરના માથામાં તીક્ષ્ણ વસ્તુ વડે ગંભીર ઘા મારવામાં આવતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રહેવાસી મહિપાલસિંહ ગોહિલ પોતાની ટુરિસ્ટ ટેક્સી માં પ્રવાસીઓને લઈને સોમનાથ દર્શન માટે આવ્યા હતા. સોમનાથ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કરાવ્યા બાદ તેઓ બાણગંગા થઈ ભાલકા તીર્થ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીડિયા રોડ પર ૠઉં-32-ખ-2735 નંબર ની મોટર સાયકલ પર આવેલા એક યુવકે તેમની કાર રોકી બોલાચાલી શરૂ કરી હતી. મહિપાલસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, સ્થિતિ વણસતા તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી હતી. થોડા સમય બાદ જ્યારે તેઓ ભાલકા તીર્થ મંદિર નજીક પહોંચ્યા ત્યારે તે જ યુવક ફરી ત્યાં આવી પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરે ગાળો બોલી કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે તેમના માથામાં ઘા મારી દીધા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ની જાણ થતાં વેરાવળ પોલીસ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ