ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી શાહ એચ.ડી. હાઈસ્કૂલ તથા તે જ કેમ્પસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાત્રિનાસમયેઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂની મહેફિલોયો જાતીહોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મહેફિલ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો પડ્યો રહેતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે બીજા દિવસે વહેલી સવારે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ પહેલાં જ દારૂની બોટલો ના દૃશ્યો જોવા મળે છે. આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ, આ વિશાળ ગ્રાઉન્ડમાં દરરોજ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત રમતગમતની પ્રેક્ટિસ માટે અનેક યુવાનો આવે છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો અને સિનિયર સિટીઝનો પણ વોકિંગ માટે અહીં પહોંચે છે. આવા જાહેર અને શૈક્ષણિક સ્થળે અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવાની પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શહેરમાં વિદેશી દારૂ સરળતાથી ઉપલબ્ધ હોવાથી જ અસામાજિક તત્વો નિર્ભય બની જાહેર સ્થળો અને શાળાના કેમ્પસને પણ દારૂ પીવાનું અડ્ડું બનાવી રહ્યા છે. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પૂરતું અસરકારક છે કે નહીં અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે.
શિક્ષણના મંદિરના ગ્રાઉન્ડમાં શરાબખોરીનો કલંક!
પોલીસ કાર્યવાહી સામે પણ ઉઠ્યા સવાલો
તંત્ર સમક્ષ ઉઠી માંગણીઓ
સ્થાનિકોએ શાળા વિસ્તારને અસામાજિક પ્રવૃત્તિઓ થી મુક્ત કરાવવા, રાત્રિના સમયે નિયમિત પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવા, શાળા કેમ્પસમાં સીસીટીવી સર્વેલન્સ વધુ મજબૂત બનાવવા અને જવાબદાર તત્વોને શોધી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.હવે સમગ્ર શહેરની નજર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની કાર્યવાહી પર મંડાઈ છે કે શિક્ષણના આ પવિત્ર પરિસરને અસામાજિક તત્વોના અડ્ડામાં ફેરવતા લોકો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.
દારૂની બોટલો અમે જ સાફ કરીએ છીએ : આચાર્ય ડો. કિશોરભાઈ ગૌસ્વામી
આ સમગ્ર મામલે શાહ એચ.ડી. હાઈસ્કૂલના આચાર્ય ડો. કિશોરભાઈ ગૌસ્વામીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, શાળાના ગ્રાઉન્ડમાં આવા દૃશ્યો લગભગ રોજ જોવા મળે છે. તેમના જણાવ્યા મુજબ, પોલીસ માં ફરિયાદ કરવા જવાથી ઘણી વખત ફરિયાદી સાથે જ આરોપી જેવું વર્તન થતું હોવાની લાગણી થાય છે અને લાંબો સમય પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. બીજી તરફ, જો મહેફિલ માણતા લોકોને ફરિયાદની જાણ થઈ જાય તો શાળા અને સ્ટાફ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આચાર્યએ વધુમાં જણાવ્યું કે, શાળાના પગથિયાં અને ગ્રાઉન્ડમાં પડેલી દારૂની બોટલો ઘણી વખત તેઓ પોતે અને શાળાનો સ્ટાફ સાફ કરે છે, જ્યારે બાકીની સફાઈ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. શિક્ષણના પવિત્ર પરિસરમાં આવી સ્થિતિ સર્જાતી હોવી દુ:ખદ હોવાનું તેમણે જણાવ્યું.
અભ્યાસ અર્થે આવતા વિધાર્થીના વાલીઓ અને નાગરિકોમાં ચિંતા
આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓ, શહેરીજનો અને ભદ્ર સમાજમાં ભારે ચિંતા વ્યાપી છે. શિક્ષણના પવિત્ર સ્થળે દારૂની મહેફિલો યોજાતી હોવાના આક્ષેપો થી વિદ્યાર્થીઓના માનસ પર નકારાત્મક અસર થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાલીઓનું કહેવું છે કે જ્યાં બાળકો સંસ્કાર અને શિક્ષણ મેળવવા આવે છે, ત્યાં આવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.
