ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી સ્થિતિ પર કાબુ મેળવ્યો
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગતરાત્રે ઇંધણ ભરેલું એક ટેન્કર પલટી જતા તેમાં રહેલું ઇંધણ માર્ગ પર ઢોળાઇ ગયું હતું. જો કે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને જરૂર કાર્યવાહી કરી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – પોરબંદર માર્ગ પર તાલુકાના ભાડથર અને ઠાકર શેરડી ગામ વચ્ચે ગતરાત્રિના આશરે 11 વાગ્યાના સમય પેટ્રોલ ભરીને જઈ રહેલું એક ટેન્કર કોઈ કારણોસર પલટી ખાઈ ગયું હતું. આ બનાવ બનતા ટેન્કરમાંથી પેટ્રોલ રોડ પર લીક થવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા ઈમરજન્સી 112 નંબર ઉપર જરૂરી માહિતી આપવામાં આવતા જિલ્લા ફાયર ટીમ તાત્કાલિક આ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કામગીરી કરી, પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
રસ્તા પર પેટ્રોલ ઢોળાવવાના કારણે આગ લાગવા કે કોઈ મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના હોવાથી આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, અહીંના પી.આઈ. સી.આર. રાણા તેમજ સ્ટાફ દ્વારા આ રસ્તા પર વાહનોની અવરજવર પણ અટકાવી દેવામાં આવી હતી. સદભાગ્યે કોઈ મોટી જાનહાની ન થતા ઉપસ્થિત સૌ કોઈએ રાહતની લાગણી અનુભવી હતી.
