મહિલા સામે ગુનો નોંધાયો: ખોટું સોગંદનામું, મૃત્યુના બોગસ દાખલા, બનાવટી પેઢી આંબો બનાવી જમીનમાં નામ ચડાવી નાખ્યું
હળવદ તાલુકાના કવાડીયા ગામમાં અપરિણીત અને નિ:સંતાન ખેડૂત અવચરભાઈની જમીનમાં ખોટી વારસાઈ દર્શાવી નામ દાખલ કરાવ્યા બાદ તે જમીન પર રૂ.7.90 લાખનું કૃષિ ધિરાણ મેળવનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. હાલ હળવદ પોલીસે આરોપી મહિલા સહિત તપાસમાં ખુલ્લે તે અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામના ખેડૂત મશરૂભાઈ તીકુભાઈ લોદરિયા ઉવ.66એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકા અવચરભાઈના લગ્ન થયા નહોતા અને તેમનું વર્ષ 1990માં અવસાન થયું હતું. ગત તા.30/04ના રોજ પરિવારજનો કવાડીયા ગામની સર્વે નંબર 265 પૈકી 36ની જમીનમાં કાયદેસરની વારસાઈ નોંધાવવા મામલતદાર કચેરીએ પહોંચતા તેમને જાણ થઈ કે આરોપી ચંપાબેન દેવજીભાઈ કોળી રહે. હાલ ધ્રાંગધ્રા નામની મહિલાએ અગાઉથી જ પોતાના નામે વારસાઈ નોંધ કરાવી દીધી હતી. આ નોંધ કરાવવા માટે ખોટું સોગંદનામું તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ મૃતક ખેડૂત અવચરભાઈને પરિણીત દર્શાવી તેમના પત્ની, પુત્ર અને અન્ય વારસદારો દર્શાવતો ખોટો પેઢી આંબો રજૂ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજોમાં દર્શાવાયેલા મૃત્યુના દાખલાઓની તપાસ કરતાં તે ખોટા હોવાનું તથા કેટલાક દાખલાઓ સંબંધિત ગ્રામ પંચાયતના રેકોર્ડમાં ઉપલબ્ધ જ ન હોવાનું બહાર આવ્યું હતું.
વધુમાં, મૃતક અવચરભાઈની ખરી મૃત્યુ તારીખ પણ દસ્તાવેજોમાં ખોટી દર્શાવવામાં આવી હતી. અગાઉ તપાસમાં ફરિયાદીને જાણવા મળ્યું કે ખોટી રીતે જમીનમાં નામ દાખલ કરાવ્યા બાદ ફેરફાર નોંધના આધારે તે જ જમીન પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની હળવદ શાખામાંથી રૂ.7.90 લાખનું કૃષિ ધિરાણ મેળવી જમીન પર બોજો ઉભો કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે આરોપી ચંપાબેન દેવજીભાઈ કોળી રહે.હાલ ધ્રાંગધ્રા વાળા તથા તપાસ દરમિયાન જેના નામ ખુલ્લે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 336(2), 336(3), 338 અને 340(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
