આરંભડા ગામે વીજશોકથી બે ગાયના મોત
ખંભાળીયામાં વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. તાવ- ઝાડા-ઉલટી થયા બાદ મહીલાએ સારવારમાં દમ તોડયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. તો આરંભડા ગામની સીમમાં વીજશોકથી બે ગાયના મોત નીપજયા છે.
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે રહેતા રેખાબેન સુનિલભાઈ હરિયાણી નામના 26 વર્ષના મહિલાને તાજેતરમાં તાવ આવ્યા બાદ ઝાડા-ઉલટી થવાના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ સુનિલભાઈ જીવાભાઈ હરિયાણી (ઉ.વ. 30) એ અહીંની પોલીસને કરી છે. મૃતક મહિલાનો લગ્નગાળો નવ વર્ષનો હતો.
મીઠાપુર નજીક આવેલા આરંભડા ગામની સીમમાં રહેતા ભારૂભા હધાભા જામ તથા તેમના પાડોશી અરજણભા રાધાભા માણેકએ શનિવારે તેઓની ગાયોને ચારવા માટે છૂટી મૂકી હતી. ત્યારે સીમ વિસ્તારમાં ચરી રહેલી આ બંને ગાય રસ્તા પર પીજીવીસીએલના જીવંત વાયરને અડકી જતા આ બંને ગાયને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે આ બંને ગાયના મોત નીપજ્યા હતા. આ બંને ગાયની કુલ કિંમત રૂ. 27,000 ગણવામાં આવી છે. આ બનાવ અંગેની જાણ ગાયના માલિક ભારૂભા જામએ મીઠાપુર પોલીસને કરી છે.
મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું
ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતા સેનાજબેન કાસમભાઈ જુસબભાઈ ખીરા નામના 38 વર્ષના મહિલાએ પોતે પોતાના હાથે ફિનાઈલ પી લેતા તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેનાજબેન પોતાના ઘરે નળમાંથી પાણી ભરી રહ્યા હતા તે દરમિયાન તેમના જેઠ અને જેઠાણીએ “ફળિયામાં પડેલો કેબલ વાયર કેમ સરખો રાખ્યો નથી?” તેમ કહ્યા બાદ થયેલી બોલાચાલીના કારણે તેમને મનમાં લાગી આવતા ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
વરલી ભક્ત ઝડપાયા
મીઠાપુર નજીકના સુરજકરાડી ગામેથી પોલીસે ભરતભાઈ ઉર્ફે ભીખુ કાકુભાઈ ઝાખરીયા અને પ્રકાશ જયંતીભાઈ ચાવડા નામના બે શખ્સોને વરલી મટકાનો જુગાર રમતા રૂ. 2150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
માછીમારી કરતા
શખ્સ સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા ગામે રહેતા મુસ્તાક જુસબભાઈ ગજણ નામના 33 વર્ષના માછીમાર શખ્સ દ્વારા હાલ માછીમારી કરવા અંગે પ્રતિબંધ હોવા છતાં તેમણે કોઈપણ પ્રકારનું ટોકન લીધા વગર યાંત્રિક બોટમાં માછીમારી કરવા જતા પોલીસે તેને લેન્ડિંગ પોઇન્ટ પાસેથી ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
