રજૂઆત બાદ મુંબઈથી સ્પેરપાર્ટ મંગાવી રિપેરીંગની કામગીરી શરૂ
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વેથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એટીએમ)નું અઝખ બંધ રહેતા સ્થાનિક નાગરિકો તેમજ બહારગામથી આવતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી એટીએમ બંધ હોવાના કારણે રોકડ ઉપાડવા માટે લોકોને મુશ્કેલીઓ સર્જાઈ હતી, ઉલ્લેખનીય છેકે વીરપુરમાં દરરોજ આશરે 5,000થી 10,000 જેટલા દર્શનાર્થીઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવતા હોય છે. ડિજિટલ યુગમાં લોકો રોકડ કરતાં અઝખ અને ડિજિટલ વ્યવહારો પર વધુ નિર્ભર બન્યા છે ત્યારે યાત્રાધામમાં એટીએમ સેવા ખોરવાતા યાત્રાળુઓને મુશ્કેલી પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે ટાવર ચોકમાં આવેલું અન્ય એક એટીએમપણ લાંબા સમયથી બંધ છે, જેથી જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિક રહેવાસી જયેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, એટીએમ બંધ હોવા અંગે બેંક મેનેજરને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને એક-બે દિવસમાં મશીન રિપેર થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, લાંબો સમય વીતી જતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોની રજૂઆતો અને રોષ બાદ એસબીઆઈ બેંક પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
વીરપુર એસબીઆઈ બ્રાન્ચના મેનેજરે જણાવ્યું હતું કે એટીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા એન્જિનિયર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં મશીનનો એક સ્પેરપાર્ટ ખરાબ હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંક દ્વારા મુંબઈથી ફ્લાઈટ મારફતે રાતોરાત વો સ્પેરપાર્ટ મંગાવવામાં આવ્યો હતો. સ્પેરપાર્ટ બ્રાન્ચ પર પહોંચતા જ એટીએમના ખરાબ પાર્ટને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટૂંક સમયમાં એટીએમ ફરી કાર્યરત થઈ જશે, તેવી બેંક મેનેજરે ખાતરી આપી હતી. સાથે જ ગ્રાહકોને આગળ કોઈ મુશ્કેલી ન પડે તે માટે બેંક દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.
