બન્ને ગભરાઇને જતા રહ્યા: સીસીટીવી ફુટેજની પોલીસે આપી કોન્ફરન્સમાં માહિતી
સુત્રાપાડા શહેરમાં આશ્રમશાળાની હોસ્ટેલમાં રહી ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થી વંશ વિશ્વાસ રમેશભાઈના કુંડમાં ડૂબી જવાથી થયેલા મોતના બનાવને લઈને આજે સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષકે સમગ્ર બનાવની તપાસ અંગે મહત્વની વિગતો રજૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સુત્રાપાડા ખાતે આવેલા સ્વયમઋષિ આશ્રમના કુંડમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન મૃતક વિદ્યાર્થી વંશ વિશ્વાસ સાથે અન્ય બે બાળકો પણ કુંડમાં ન્હાવા માટે ઉતર્યા હોવાનું જોવા મળ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. સીસીટીવી ફૂટેજમાં ત્રણેય બાળકો કુંડમાં હોવાનું અને તે દરમિયાન વંશ વિશ્વાસ કુંડમાં ડૂબી ગયો હોવાનું જણાઈ આવે છે. બનાવ બન્યા બાદ તેની સાથે રહેલા અન્ય બે બાળકો ગભરાઈને ઘટનાસ્થળેથી જતા રહ્યા હોવાનું પણ ફૂટેજમાં જોવા મળ્યું હોવાનું નાયબ પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હાલ સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક રીતે વિદ્યાર્થી જાતે કુંડમાં ડૂબી ગયો હોવાનું જણાય છે. જોકે, માત્ર સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પૂર્ણ કરવામાં આવી નથી અને સમગ્ર ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું હતું.
સમાજના આગેવાનોને બોલાવી સીસીટીવી ફૂટેજ બતાવ્યા
પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીના સમાજના આગેવાનોને બોલાવી સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હોવાનું પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું. પોલીસ દ્વારા ઘટનાની હકીકત અંગે પારદર્શકતા જળવાય અને ઉપલબ્ધ પુરાવા અંગે આગેવાનોને પણ માહિતગાર કરી શકાય તે દિશામાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, એક તરફ વિદ્યાર્થી સાથે કુંડમાં ગયેલા અન્ય બે બાળકો અંગેની વિગતો અને તેમની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી કઈ રીતે બહાર ગયો, તેની દેખરેખ કોણ રાખતું હતું, જવાબદાર સંચાલક તથા ગૃહપતિની ફરજ શું હતી અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સીસીટીવી સહિતના પુરાવાના આધારે તપાસ
પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિત ઉપલબ્ધ પુરાવાઓ એકત્ર કરી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીના મોત પાછળ કોઈ અન્ય કારણ કે બેદરકારી જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હાલમાં પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી કુંડમાં ડૂબી ગયાની ઘટના જોવા મળતી હોવાનું પોલીસનું કહેવું છે. જોકે, હોસ્ટેલની દેખરેખ અને પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગેની તપાસ હજુ ચાલુ હોવાથી તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની અંતિમ હકીકત સ્પષ્ટ થશે.
વિદ્યાર્થીના મોતના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે ત્યારે હવે પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ, મૃતક સાથે રહેલા અન્ય બે બાળકોના નિવેદનો તથા હોસ્ટેલ સંચાલન અંગેની તપાસ મહત્વની બની છે.
