દ્વારકાના ટૂંપણી ગામે વીજશોકથી શ્રમિકનું મોત

નિંદામણ કાઢતી વખતે કરૂણાંતિકા સર્જાઈ

દ્વારકાના ટૂંપણી ગામે નિંદામણ કાઢતી વખતે વીજશોક લાગતા શ્રમિકનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ મકવાણા નામના 26 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે એક આસામીની વાડીએ ખડ (નિંદામણ) કાઢી રહ્યા હતા, તે દરમિયાન અહીં રહેલા વીજપોલ પાસેના અર્થીંગના વાયરને તેઓ અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ કિશનભાઈ રામાભાઈ મકવાણાએ દ્વારકા પોલીસને કરી છે.
શ્રમિકનો આપઘાત
બિહાર રાજ્યના મૂળ રહીશ અને હાલ ખંભાળિયાના સંજયનગર ખાતેના હર્ષદપુર વિસ્તારમાં રહેતા શોભરાજભાઈ રતનભાઈ પાસવાન નામના યુવાને ગઈકાલે સોમવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે રૂમમાં રહેલા લોખંડના પાઈપમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના રહિત લલિતકુમાર નરેનભાઈ પાસવાન (મૂળ રહે. બિહાર) એ અહીંની પોલીસને કરી છે.
કલ્યાણપુર અને ખંભાળિયામાંથી દારૂ સાથે ત્રણ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા નરશી અરજણભાઈ ડાભી નામના 53 વર્ષના સતવારા શખ્સને સ્થાનિક પોલીસે રૂ. 11,152 ની કિંમતની વિદેશી દારૂની 17 બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. ખંભાળિયાના ઘી ડેમ પાસેથી પોલીસે મનુ રાજા સાલાણી અને રવિ ગોવિંદ ધાંગાણી (રહે. તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) ને વિદેશી દારૂના ચાર ચપલા તેમજ એક મોબાઈલ સહિત કુલ રૂ. 10,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ખંભાળિયાનો સંજય હરિયાણી નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.

રિલેટેડ ન્યૂઝ