જામનગર જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં ટ્રાન્સમીશન લાઈન/ટ્રાન્સમીશન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી સામે સમગ્ર જિલ્લામાં અસરકર્તા ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વિવિધ ગામો ના ખેડૂતો સાથે વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ટ્રાન્સમીશન લાઈન કે ટ્રાન્સમીશન ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરતા પહેલા અસરગ્રસ્ત ખેડૂતોની જમીનોમાં થયેલા ફેરફારો, રહી ગયેલી ભૂલોમાં સુધારા કર્યા પછી જ આગળની પ્રક્રિયા હાથ ધરવાની માંગણી કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રક્રિયા સંદર્ભમાં નોટીસો આપવામાં આવી છે, પણ ટેલીગ્રાફ ઓથોરીટી કે ટ્રાન્સમીશન સ્થાપીત કરનાર કંપની તરફથી એમ.આર.સી. અંગે કોઈ પૂર્વ નોટીસ કે જાણ કરવામાં આવી નથી.
ટ્રાન્સમીશન કંપનીએ ઈલેક્ટ્રીસિટી એક્ટ હેઠળ મંજુરી મેળવી, કલમ- મુજબ ટેલીગ્રાફ એક્ટ ની સત્તાઓ પ્રાપ્ત કરી ટેલીગ્રાફ ઓથોરીટી તરીકેની સત્તાઓ વાપરે છે. ટેલીગ્રાફ એક્ટની કલમ મુજબ, લાઈન સ્થાપનાથી હિતધારક ખેડૂતોને થતા તમામ નુક્સાનનું પૂરેપૂરું વળતર આપવું ફરજિયાત છે. આપના દ્વારા ઊર્જા વિભાગના તા. 4-7-2026 ના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવાની જાણ કરાઈ છે, પરંતુ આ માર્ગદર્શિકા-ઠરાવ ખેડૂતોને માન્ય નથી તે અંગે અગાઉ પંચાયતોના ઠરાવો સાથે અવારનવાર લેખિત રજૂઆતો કરેલી છે. ઈલેક્ટ્રીસિટી એક્ટ-2003 અને ટેલીગ્રાફ એક્ટ એ કેન્દ્રિય કાયદા (સેન્ટ્રલ એક્ટ) હોય, તેમાં દર્શાવેલ જોગવાઈઓનું અક્ષરશ પાલન થવું જરૂરી છે. કેન્દ્રિય કાયદાની ફરજિયાત જોગવાઈઓના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ અલગ માર્ગદર્શિકા કે ઠરાવ બહાર પાડી શકાય નહીં, તેવું અરજદારોનું સ્પષ્ટ માનવું છે.
ટેલીગ્રાફ એક્ટની કલમ હેઠળ ખેડૂતો સંપૂર્ણ નુક્સાની વળતર મેળવવા કાયદાકીય રીતે હક્કદાર છે. કાયદાની મૂળ જોગવાઈઓને બાજુ પર રાખી કોઈ ઠરાવ કે માર્ગદર્શિકા અમલી બનાવી શકાય નહીં. ઊર્જા વિભાગનો તા. 4-7-ર0ર6 નો ઠરાવ ખેડૂતોને પૂરેપૂરું વળતર આપતો ન હોય અને કલમ-10(ડી) ની બહારનો હોય, જામનગરના વિવિધ ગામો દ્વારા આ ઠરાવ અમાન્ય હોવાના ઠરાવો કરી આવેદનપત્રો પાઠવેલા છે, આમ છતાં આ નોટીસ બજાવવી ન્યાયોચિત નથી.
ટ્રાન્સમીશન લાઈન કામગીરી સંબંધિત બાબતોમાં વંશપરંપરાગત જમીન ધરાવતા ખેડૂતો સામે કંપની ક્યા કાનૂની આધરે ફરિયાદી બને છે? કંપની દ્વારા ખેડૂતો સામે અયોગ્ય અને અન્યાયી ફરિયાદો દાખલ કરીને તેમને આરોપીની સ્થિતિમાં મૂકવામાં આવે છે, જે બાબત અટકાવવા સહિત તમામ કાયદાકીય બાબતો અને ખેડૂતોના હિતોને ધ્યાને લઈ નોટીસ તાકીજ ની અસરથી રદ કરવા માં આવે તેવી માગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
