37 વર્ષ સુધી એક જ શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી: નિવૃત્તિ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભાવુક બન્યા; શિક્ષક દંપતીએ શિક્ષણ સાથે માનવતાના સંસ્કારોનું પણ સિંચન કર્યું
ઉના તાલુકાના વ્યાજપુર ગામની પ્રાથમિક શાળામાં આજે ભાવનાસભર વિદાય સમારંભ યોજાયો હતો. શાળામાં વર્ષ 1989થી સતત એક જ સ્થળે પોતાની ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણભાવથી નિભાવનાર શિક્ષક ભરતભાઈ પરબતભાઈ ડઢાણીયા તથા તેમનાં ધર્મપત્ની શિક્ષિકા હંસાબેન હંસરાજભાઈ દણસાણીયા નિવૃત્ત થતાં શાળાપરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
શિક્ષક તરીકેની ફરજ માત્ર વર્ગખંડમાં પાઠ ભણાવવા પૂરતી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાંજ્ઞાન, સંસ્કાર અને સદાચારનું સિંચન કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય પણ છે. આ વાતને ભરતભાઈ ડઢાણીયા અને હંસાબેન દણસાણીયાએ પોતાની સેવાકીય કારકિર્દી દરમિયાન સાર્થક કરી બતાવી હતી. વર્ષ 1989થી નિવૃત્તિ સુધી એક જ શાળામાં રહીને તેમણે શિક્ષણ પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભરતભાઈ ડઢાણીયાનો સ્વભાવ અત્યંત સરળ, સહજ અને સૌને પોતાના બનાવી લે તેવો રહ્યો હતો. તેઓ વિદ્યાર્થીઓ સાથે માત્ર શિક્ષક તરીકે જ નહીં, પરંતુ મિત્ર અને પરિવારના વડીલની જેમ હળીમળીને રહેતા હતા. તેમના પ્રેમાળ વ્યવહારને કારણે વિદ્યાર્થીઓ પણ તેમની સાથે નિ:સંકોચ ભળી જતા હતા. શિક્ષણની સાથે બાળકોમાં સારા સંસ્કારો, શિસ્ત અને જીવન મૂલ્યોનું સિંચન કરવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
ભરતભાઈના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ આજે વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે, જે તેમની શિક્ષણસેવા અને માર્ગદર્શનની સફળતાની સાક્ષી પૂરે છે. એક શિક્ષક માટે પોતાના વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થતા જોવા કરતાં મોટો સંતોષ બીજો કયો હોઈ શકે? તેમના દ્વારા ઘડાયેલા વિદ્યાર્થીઓની પ્રગતિએ શિક્ષક તરીકેની તેમનીકારકિર્દી ને વિશેષ ગૌરવ અપાવ્યું છે.
બીજી તરફ, તેમનાં ધર્મપત્ની હંસાબેન દણસાણીયાએ પણ આ જ શાળામાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ નિભાવી હતી. શિક્ષક દંપતીએ સાથે મળીને વર્ષો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી અને વ્યાજપુર ગામના શૈક્ષણિક વાતાવરણમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. બંને શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે પરિવારના સભ્યોની જેમ ભળી ગયાં હતાં. તેમના સરળ સ્વભાવ, આત્મીયતા અને સેવાભાવના કારણે વાલીઓમાં પણ તેમના પ્રત્યે વિશેષ આદર જોવા મળતો હતો.
યોજાયેલા વિદાય સમારંભ દરમિયાનશાળાનાશિક્ષકો, ગામના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ શિક્ષક દંપતી સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમના વ્યક્તિત્વ, કાર્યનિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમની વાતો કરતાં અનેક લોકો ભાવુક બન્યા હતા. શિક્ષક દંપતીના યોગદાનને શબ્દોમાં વ્યક્ત કરવામાંવક્તાઓને પણ શબ્દો ખૂટતા હોય તેવી લાગણીસભર સ્થિતિ સર્જાઈ હતી.
વર્ષો સુધી જે શાળાના વર્ગખંડોમાં જ્ઞાનની સુવાસ ફેલાવી, જે બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ આપ્યો અને જે ગામના લોકો સાથે આત્મીય સંબંધો કેળવ્યા, તે સૌની વચ્ચે વિદાય લેવાની ક્ષણ અત્યંત ભાવુક બની હતી. વિદાયની ઘડીએ ઉપસ્થિત લોકોની આંખો પણ છલકાઈ ઊઠી હતી. શિક્ષકની સાચી ઓળખ તેની નોકરીના વર્ષોથી નહીં, પરંતુ તેણે ઘડેલા વિદ્યાર્થીઓ, આપેલા સંસ્કારો અને લોકોના હૃદયમાં મેળવેલા સ્થાનથી થાય છે. ભરતભાઈ ડઢાણીયા અને હંસાબેન દણસાણીયાની સેવાયાત્રા આ વાતનું જીવંત ઉદાહરણ બની રહી છે.
