અમરેલી જિલ્લામાં દીપડાની દહેશત યથાવત્ રહેવા પામી છે. લીલીયા પંથકમાં બે દિવસ પહેલાં ખેતમજૂર પર દીપડાના હુમલાની ઘટના બાદ હવે ગઈકાલલે મોડી રાત્રે રાજુલાના શહેરી વિસ્તારમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે રાજુલાના સતત ટ્રાફિકથી ધમધમતા છતડીયા રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં રાત્રિના સમયે દીપડો ઘૂસી આવ્યો હતો. રહેણાક મકાનની દિવાલ ટપીને સોસાયટીમાં પ્રવેશતો દીપડો ઈઈઝટ કેમેરામાં કેદ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાની બજરંગ સોસાયટીમાં ગત રાત્રીના સમયે એક દીપડો આવી ચડ્યો હતો. માનવ વસ્તી ધરાવતા રહેણાક વિસ્તારમાં મકાનની દિવાલ ટપીને દીપડો સોસાયટીમાં પ્રવેશતો હોવાની ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ હતી.
સામાન્ય રીતે દિવસ દરમિયાન વાહનોની સતત અવરજવરથી ધમધમતા છતડીયા રોડ નજીક આવેલી સોસાયટીમાં દીપડાની હાજરી સામે આવતાં સ્થાનિક રહીશોમાં ચિંતા સાથે ભયનું મોજું ફરી વળ્યું છે.
અમરેલી જિલ્લામાં એક તરફ દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ હવે દીપડાઓ શહેરી રહેણાક વિસ્તારોમાં પણ આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. લીલીયા પંથકમાં ખેતમજૂર પર હુમલાની ઘટના બાદ રાજુલાની સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગત રાત્રિના સમયે રહેણાક વિસ્તારમાં દીપડાની હાજરીનો આ બનાવ શહેરી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવર જવર અંગે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. હવે આ વિસ્તારમાં વનવિભાગ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવે અને સ્થાનિક રહીશોને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ ઊઠે તેવી સ્થિતિ સર્જાઈ છે.
