કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો
બોટાદ જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદમાં સ્વનિર્ભર મેડિકલ કોલેજ તેમજ આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના આરોગ્ય માળખાને મજબૂતી મળશે ઉપરાંત સ્થાનિક નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ઐતિહાસિક મંજૂરી બદલ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદનાં સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાસની નવી દિશાઓ ખૂલી રહી છે. બોટાદ જિલ્લામાં આધુનિક આરોગ્ય સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય જિલ્લાના નાગરિકો માટે આશાસ્પદ બની રહેશે.
બોટાદ જિલ્લામાં ગંભીર બીમારીઓ અથવા આકસ્મિક પરિસ્થિતિઓમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવે દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવાર માટે અન્ય મોટાં શહેરો સુધી લાંબું અંતર કાપવું પડતું હતું. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બોટાદમાં આધુનિક અને સુવિધાસભર સરકારી હોસ્પિટલની સ્થાપના થાય તે માટે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક નેતૃત્વ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને હોસ્પિટલની કામગીરી સત્વરે હાથ ધરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતોના સકારાત્મક પરિણામ સ્વરૂપે મળેલી મંજૂરીથી બોટાદ જિલ્લાના નાગરિકોમાં આરોગ્ય સુવિધાઓ અંગે નવી આશા જાગી છે.
બોટાદમાં મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલના નિર્માણથી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નજીકના સ્થળે વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મેળવવાની દિશામાં લાભ મળશે.સાથે જ, સ્થાનિક સ્તરે મેડિકલ કોલેજ શરૂ થવાથી વિસ્તારના યુવાનો માટે તબીબી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની નવી તકો ઊભી થશે. આ નિર્ણય બોટાદના આરોગ્ય માળખાના વિકાસની સાથે તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ વિસ્તારને નવી ઓળખ અપાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
