માલસામાન ઉતારી ટ્રક પાર્ક કરતી વખતે વીજ કરંટથી ચાલકનું મોત
ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને અડી જતાં આખા ટ્રકમાં કરંટ ફરી વળ્યો
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે વહેલી સવારે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રક ચાલકનું વીજ આંચકાથી મૃત્યુ નિપજ્યું છે.મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના વતની ઠાકુર ભારમલસિંહ સોહનસિંહ ઠાકુર (35) પોતાના ટ્રકમાં માલસામાન લઈને જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર વિસ્તારમાં આવ્યા હતા. માલસામાન ઉતાર્યા બાદ તેમણે ટ્રક સાઇડમાં પાર્ક કર્યો હતો.આ દરમિયાન ટ્રક ની ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનને અડી જતા ટ્રકમાં કરંટ ફેલાયો હતો. તે સમયે ટ્રક પર રહેલા ચાલક ભારમલસિંહને તીવ્ર વીજ આંચકો લાગતાં તેઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા, અને થોડા જ સમયમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં સૌ પ્રથમ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દરેડ વિજ તંત્ર ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
