તંત્રએ જડેશ્ર્વર પાર્કમાં સાડા ત્રણ કરોડની કિંમતની આઠ હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવી
જામનગર મહાનગરપાલિકાએ આજે શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરતાં આશરે રૂ. 3.50 કરોડની કિંમતની અંદાજિત 8 હજાર ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યા દબાણમુક્ત કરાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકર્તાઓને અંતિમ નોટિસો પાઠવવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં ગુરૂવારે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ છ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ કાચા-પાકા મકાનો, એક ગેરેજ, એક દુકાન તથા એક વાડાનો સમાવેશ થતો હતો. ડિમોલેશન માટે મહાનગરપાલિકાની ટીમ સાથે બે જેસીબી મશીનો, ત્રણ ટ્રેક્ટરો તેમજ એસ્ટેટ શાખાના 35 થી વધુ કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થળ પર વીસથી વધુ પોલીસ જવાનો હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાની ટીમે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરી બપોર સુધી ચાલુ રાખી હતી અને મોટા ભાગની જગ્યા દબાણમુક્ત કરાવવામાં આવી હતી.
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન એક વૃદ્ધ દંપતીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. દબાણ હટાવવાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે વૃદ્ધ દંપતી પોતાનું ઘર બચાવવા માટે જેસીબી મશીન આગળ જ ઊભું રહી ગયું હતું અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધ દંપતીએ જેસીબી ચાલકને રોકતા જણાવ્યું હતું કે, જો અમારી જગ્યા પર જેસીબી ચલાવશો તો પથ્થરમારો કરીશું. આ દરમિયાન મહાનગરપાલિકાના સિક્યોરિટી જવાનો તથા કર્મચારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શરૂઆતમાં તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. થોડા સમય માટે સ્થળ પર ગડબડભર્યો માહોલ સર્જાયો હતો અને કામગીરી થોડીવાર માટે અટકાવવી પડી હતી. બાદમાં પોલીસ દ્વારા વૃદ્ધ મહિલા ની ટીંગાટોળી કરી અટકાયત કરી ને.પોલીસ જીપ માં બેસાડી દેવાયા હતા. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ મહાનગરપાલિકાની ટીમે આગળની ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો હતો.
નંદુબેન નામના બુઝુર્ગ મહિલાએ જણાવ્યું હતું કે અમે 40 વર્ષ પહેલા આ જગ્યા શાંતિલાલ નામની વ્યક્તિ પાસેથી વેચાતી લીધી હતી, અને અહીં રહીએ છીએ. મારા પુત્રનું અવસાન થઈ ગયું છે. તેની વિધવા પત્ની અને બે સંતાનો ને રાખીને અમે પરિવાર નું ગુજરાન ચલાવીએ છીએ તેમ કહી દર્દ ભરી અને આક્રોશ ભરી વિનંતી પણ કરી હતી.
