રોકડા રૂા.84,450 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.2,39,450નો મુદ્દામાલ કબજે
જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ એ જૂનાગઢના માખીયાળા આવેલ રહેણાંક મકાને ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી, જુગાર રમતા કુલ 5 ઇસમોને રોકડા રૂા.84,450 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા.2,39,450 ના મુદામાલ સાથે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં ચાલતી જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઉપરી અધિકારીઓ તરફથી વખતો વખત સુચના થયેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ્ટાફના માણસોને અગાઉથી ખાનગી બાતમીદારો મારફતે બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામમાં કાળવા શેરી, રામજી મંદિર વાળી ગલીમાં રહેતો મનોજ લખમણભાઇ પાનસુરીયા પોતાના રહેણાંક મકાને બહારથી માણસોને બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી નામનો જૂગાર રમી રમાડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી વાળા સ્થળે રેઇડ કરતા જુગાર રમતા મનોજભાઇ લખમણભાઇ પાનસુરીયા (રહે.માખીયાળા) રાજેન્દ્ર ઉર્ફે રાજુ ચંદુભાઇ ચૌહાણ (રહે. જૂનાગઢ, ગીરીરાજ રોડ), ઇલીયાસ ઉર્ફે બહાઉદ્દીન તૈયબભાઇ સીડા, (રહે.ગલીયાવાડ) સારંગ ઉર્ફે રવી નટુભાઇ ડઢાણીયા (રહે.ગોલાધર), રાજેશ જાદવભાઇ ગજેરા (રહે. માખીયાળા) મળી આવતા પોલીસે રોકડા રૂા.84,450 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા.2,39,450 ના મુદામાલ સાથે પાંચેય શખ્સોને પકડી પાડી, જૂનાગઢ તાલુકા સ્ટેશનમાં જુગારધારા અંતર્ગત ગુન્હો દાખલ કરાવ્યો હતો.
