પોસ્ટમાં આવેલો 4.239 કિલો ગાંજો પોલીસે કબજે કર્યો હતો
જુનાગઢના ચર્ચાસ્પદ ગાંજા તસ્કરી કેસમાં છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ અમિત રમેશભાઈ રાણાની અદાલતે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ કિરણ કાનજીભાઈ રાઠોડની જામીન અરજી ફગાવી દીધી છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુના મુજબ, આરોપીઓએ ઓરિસ્સાથી પોસ્ટ મારફતે 4.239 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. 2.11 લાખથી વધુ) મંગાવ્યો હતો. ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતેથી પાર્સલ મેળવતી વખતે પોલીસે દરોડો પાડી મુખ્ય મુદ્દામાલ સાથે અન્ય સહ-આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ અધિકારી બી.ડી.વી. પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. ડાંગરના સોગંદનામા અને સરકારી વકીલ ડી.સી. ઠાકરની દલીલોને ધ્યાને લેતા કોર્ટે નોંધ્યું કે, આરોપી પોતે બરતરફ પોલીસ કર્મચારી હોવાથી કાયદાથી માહિતગાર છે. અને ગુનામાં તેની સક્રિય ભૂમિકા સામે આવી છે. નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓ સમાજ અને યુવાધન પર વિપરીત અસર કરે છે. ગુનાની ગંભીરતા અને ચાલુ તપાસને ધ્યાને રાખી, અદાલતે જામીન અરજી ના મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
