આમ આદમી પાર્ટી દ્વારા સરકારને થઈ રજુઆત: ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર ઉપર કર્યા આકરા પ્રહારો
પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા મુદ્દે રજૂઆત થઈ છે.
આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કુતિયાણા વિધાનસભાના પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતુ કે,રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામોમાં પીવાના અશુદ્ધ પાણીની સમસ્યા અંગે ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.ડોયાણા, રાણા કંડોરણા, ભોડદર, મહિયારા અને નેરાણા જેવા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને મેરૂભાઈએ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે.
સરકાર પર આકરો કટાક્ષ
“આજુબાજુના દરેક ગામોમાં નર્મદાના નીર પહોંચી ગયા છે, તો શું આ રહી ગયેલા ગામો પાકિસ્તાનમાં આવે છે? સરકારના વિકાસ રથ માત્ર કાગળ પર દોડે છે, જમીન પર તો હજુ પણ લોકો ખારું અને અશુદ્ધ પાણી પીવા મજબૂર છે.”
વિકાસ રથ અને અધિકારીઓના પોલા આશ્ર્વાસનો
તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે સરકારનો ’વિકાસ રથ’ આ વિસ્તારમાં આવ્યો હતો ત્યારે પણ ગ્રામજનો દ્વારા પાણી બાબતે રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી.તે સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ માત્ર ’આશ્વાસનોની લહાણી’ કરી હતી. આજે લાંબો સમય વીતી ગયો હોવા છતાં નર્મદાનું શુદ્ધ પાણી આ ગામો સુધી કેમ નથી પહોંચ્યું? તે એક મોટો સવાલ છે.અધિકારીઓ માત્ર વાતો કરે છે પણ જનતાની તરસ છિપાવવામાં નિષ્ફળ રહ્યા છે.
સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં
હાલમાં આ ગામોમાં જે પાણી પૂરું પાડવામાં આવે છે તે અત્યંત અશુદ્ધ, દૂષિત અને ’મોરું’ (ખારું) છે. આ દૂષિત પાણી પીવાના કારણે ગ્રામજનોમાં કિડનીની બીમારી, પાચનતંત્રના રોગો અને ચામડીના રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શુદ્ધ પાણીના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂત પરિવારોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.
મુખ્ય માંગણીઓ અને આંદોલનની ચીમકી
આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્ર સમક્ષ તમામ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક અસરથી નર્મદા પ્રોજેક્ટનું શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે.ગામની પાણીની ટાંકીઓની સફાઈ અને પાઈપલાઈનના લીકેજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે.જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તેવીમાંગણી કરવામાં આવી છે. મેરૂભાઈ ઓડેદરાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે,જો વહેલીતકે આ ગામોનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે, તો તમામ ગામના લોકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે,જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે.
