પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ નહી કરવા માટે પણ આપવામાં આવી સુચના: કોઈપણ ધર્મની લાગણી દુભાઈ તેવા નિશાનવાળી મુર્તિઓ નહી બનાવવા માટે જણાવ્યું
પોરબંદરમાં બેઠક સહિત નવ ફુટથી ઉંચી ગણેશ પ્રતિમાનું સ્થાપન થઈ શકશે નહી.
આગામી ગણેશ ઉત્સવના તહેવારને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ-163 અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જાહેરનામાં અનુસાર ગણેશ મહોત્સવ નિમિત્તે મૂર્તિકારો દ્વારા અગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.તે દરમ્યાન મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહી તથા કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવામાં ન આવે તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસુ હાલતમાં ન મૂકવી તેમજ શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તથા કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવો નહી અને શ્રી ગણેશજીની મૂર્તિ (નવ) ફુટ (બેઠક સહિત) થી ઉંચી રાખી શકાશે નહી કે સ્થાપના કરી શકાશે નહી.કોઇપણ ધર્મના લોકોની લાગણી દુબાય એવા કોઇ ચિન્હ કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ નકકી કરેલ વિસર્જન સ્થળો તથા લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળો સિવાય અન્ય જગ્યાએ મૂર્તિઓનું વિસર્જન કરવું નહીં અને શ્રી ગણેશ વિસર્જન માટે સબંધિત સત્તા પાસેથી પૂર્વમંજુરી લેવાની રહેશે અને પરંપરાગત અને મંજુરીમાં લખવામાં આવેલ રૂટ ઉપર જ જવાનું રહેશે.ગણેશ ઉત્સવ અન્વયે ગણેશજીની મૂર્તિ વિસર્જન અનુસંધાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડજી.ઓ.આઈ.તેમજ ગુજરાત સરકારના ફોરેસ્ટ અને એન્વાર્યમેન્ટ ડિપાર્ટમેન્ટની મૂર્તિ વિસર્જન માટેની સુધારેલી માર્ગદર્શિકાના હુકમ, તથા તા.10.6.2026 ના ડાયરેકટર વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા થઇ આવેલ ગાઇડલાઈનની અમલવારી કરવાની રહેશે.આ જાહેરનામાનો ભંગ કરીને કોઇ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનવટમાં પી.ઓ.પી. ભઠ્ઠીમાં સુકેલી/ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટીક રસાયણ કે કેમિકલ્સ, ડાયયુકત રંગોની ઉપયોગ કરેલી મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે કે વેચાણના સમયે જપ્ત કરવામાં આવશે.ડાયરેકટર વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરનાઓના પત્ર નં.ઇએનવી/10/2010/પાર્ટ-2/(2021)/ટી, તા.04/09/2023 દ્રારા પાઠવેલ સેન્ટ્રલ પોલ્યુશન (સરકારના વન અને પર્યાવરણ વિભાગ) તરફથી દરીયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા માટે આપેલ સુચનો તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.9.5.2013 ના હુકમ તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, વેસ્ર્ટન ઝોન બેંચ, ભોપાલના તા.18.8.2015 ના હુકમને આધારે તેમજ સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દિલ્હીના તા.12.5.2020 ના રિવાઇઝ માર્ગદર્શિકા મુજબ તથા તાજેતરના તા. 10.6.2026 ના ડાયરેકટર વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા થઇ આવેલ માર્ગદર્શન મુજબનું જાહેરનામું તા.25.7.2026 થી તા.25.9.2026 સુધી બંને દિવસ સહિત અમલમાં રહેશે.આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યકિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે અને આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ અધિકારીઓએ આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-223 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.ઉકત જણાવેલ જોગવાઇઓ સરકારના ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તથા સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ તેમજ અન્ય ટ્રીબ્યુનલની વખતો વખતની સુચના / માર્ગદર્શન મુજબ ફેરફારને આધીન તથા સબંધિતોને બંધનકર્તા રહેશે.
આ જાહેરનામુ તા.29.7.2026 થી તા.25.9.2026 સુધી બંને દિવસો સહિતની મુદ્દત માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોરબંદરની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.
