પોરબંદરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આજે આશીર્વાદનો દીવડો પ્રગટાવાશે

ગ્રામ્ય વિસ્તારમાં સેવા સંકલ્પ અભિયાન નિમિત્તે આયોજન: મંદિરો, અમૃત સરોવર સહિત સરકારી યોજનાના લાભાર્થીઓના ઘરે આયોજન: મંદિરમાં મહાઆરતીના સમયે દીપ પ્રાગટ્ય થશે

પોરબંદરમાં આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદનો દીવડો પ્રગટાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવાના 25 વર્ષ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાનનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.જે અંતર્ગત તા.17 સપ્ટેમ્બર, 2026ના રોજ પોરબંદર જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લાના દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગામમાં એક પૌરાણિક અથવા પ્રાચીન મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનની જનસેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવશે,‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ગામોના મંદિરોમાં 100થી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
આ ઉપરાંત ગામના મંદિરો, અમૃત સરોવર, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના ઘર તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નવીન બનેલી ગ્રામ પંચાયત ખાતે પણ સાંજે 7:00 કલાકે અને ગામના મંદિરોમાં આરતીના સમયે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના ધાર્મિક સ્થળો તથા ગામના મંદિરોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આજે બપોરે 4:00થી સાંજના 6:00 કલાક દરમિયાન વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનારા આ કાર્યક્રમમાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો સહિતના નાગરિકો સહભાગી બની ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી આ ઉજવણીમાં જોડાશે.

રિલેટેડ ન્યૂઝ