આગ લાગ્યાના ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડની દોડધામ યથાવત રહી
પોરબંદરના હાર્દ સમા સોની બજારમાં આવેલ જાણીતા ‘પારૂલ જ્વેલર્સ’ માં આગ બુઝાયા બાદ સતત બે દિવસથી ફાયરબ્રિગેડ દોડધામ કરી રહ્યુ છે. અને સાંકડી સોનીબજારમાં નાનો બંબો લાવીને પીઢીયા તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી.
પોરબંદરના સોનીબજારમાં આવેલ પારૂલ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રણ દિવસ પહેલા આગની ઘટના બની હતી જેમાં ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠતા ગઇકાલે ફાયરબ્રિગેડ મારતે ઘોડે દોડી ગયુ હતુ પરંતુ ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કંટ્રોલ કરી લીધાનું જણાવીને તેઓએ ચાલતી પકડી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરીથી આગ લાગી હતી. જેને માંડ બુઝાવ્યા બાદ હવે ત્રીજા દિવસે પણ ફરીથી ફાયરબ્રિગેડની દોડધામ વધી હતી. ફાયરબ્રિગેડનું મીની ફાયર ટેન્ડર લઇને સાંકડા સોની બજાર વિસ્તારમાં સાધન સરંજામ સાથે ટીમ આવી હતી અને જર્જરીત પીઢીયા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આમ છેલ્લા ત્રણ ત્રણ દિવસથી એકજ જગ્યાએ ફાયરબ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે ત્યારે ટ્રાફિક નિયમન માટે અને બંદોબસ્તના હેતુસર હોમગાર્ડ જવાનો પણ ખડેપગે ફરજ બજાવે છે.
