પોરબંદરના રેસ્ટોરન્ટમાં ભાતમાં મરેલો મંકોડો નીકળ્યો!!

માર્કેટિંગ યાર્ડ સામે આવેલા સિદ્ધિ રેસ્ટોરન્ટમાં બન્યો બનાવ: મહાનગરપાલિકાની ટીમે અસ્વચ્છતા બદલ 3000 નો વહીવટી ચાર્જ વસૂલ્યો

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ સામે આવેલ રેસ્ટોરન્ટમાં ગ્રાહક ભોજન લેવા ગયા ત્યારે ભાત માંથી મરેલો મંકોડો નીકળ્યો હતો તેથી તેણે મહાનગરપાલિકાના તંત્રને જાણ કરતા તંત્રએ 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પોરબંદર શહેરના માર્કેટિંગ યાર્ડ સામે ખાપટ વિસ્તારમાં આવેલ સિદ્ધિ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ભાતમાં મરેલો મકોડો
હોવાની ફરિયાદ મળતાં પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ સેફટી શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તા.7.10.2026ના રોજ દેવરાજભાઈ ગઢવી તેમના પરિવાર સાથે સિદ્ધિ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા.દરમિયાન તેમને પીરસવામાં આવેલા ભાતમાં મરેલો મકોડો જોવા મળતાં તેમણે આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.પીયુષભાઈ વાજાને ફરીયાદ કરી હતી.ફરીયાદને ગંભીરતાથી લઈ ડો. પીયુષભાઈ વાજાએ મહાનગરપાલિકાની ફૂડ સેફટી શાખાને સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે તા.8.10.2026ના રોજ પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર વિજય ઠકરાર તથા રાજભાઈ છાત્રોડિયાની ટીમ દ્વારા સિદ્ધિ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના સંચાલકને ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા, વાસી ખાદ્યપદાર્થોનું વેચાણ ન કરવા, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા જાળવવા તેમજ જીવજંતુઓનો ઉપદ્રવ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી.મહાનગરપાલિકાની ફૂડ સેફટી શાખા દ્વારા રેસ્ટોરન્ટના સંચાલકને જરૂરી તકેદારી રાખવા અંગે નોટિસ આપવામાં આવી હતી. સાથે જ નિયમો અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય તે હેતુથી સંચાલક પાસેથી રૂ. 3,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સમયાંતરે ખાણીપીણીના સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાદ્યપદાર્થોનું યોગ્ય રીતે સંગ્રહ અને જાળવણી કરવા તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા ખાણીપીણીના ધંધાર્થીઓને સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટ તથા ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ સંચાલકોને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે જરૂરી તકેદારી રાખવા તેમજ ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ