બેંક ખાતાઓમાં વારસાઇ માટે સહીઓ કરાવી દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો
મવડી વિસ્તારમાં રહેતાં કળિયુગી પુત્ર દિનેશ પરમારે કિંમતી જમીનમાંથી માતા અને બહેનને અંધારામાં રાખી નામ કમી કરાવી નાંખી છેતરપીંડી આચરતાં માતાએ પુત્ર સામે ફરીયાદ નોંધાવી હતી.
ઓમનગર સર્કલ પાસે રહેતા 75 વર્ષીય વૃધ્ધાના એકના એક પુત્રની જમીન પર દાનત બગડી અને બેંક ખાતાઓમા વારસાઈ માટે સહીઓ કરાવી જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી નાંખી માતાને બેઘર કર્યા હતાં.બનાવ અંગે ઓમનગર સર્કલ પાસે આવેલ ધરમ નગર શેરી નં.3 માં રહેતાં ગૌરીબેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.75) એ આરોપી તરીકે દિનેશ ગોવિંદ પરમારનું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેમની પુત્રી દિવ્યાબેન ભંખડીયા સાથે રહી નિવૃત જીવન ગાળે છે. તેઓના પતિ ગોવીંદભાઈ સાતેક વર્ષ પહેલા અવશાન પામેલ છે અને સંતાનમા એક દિકરો દિનેશભાઇ (ઉ.વ.50) છે, જે મવડી ગામ મેઇન રોડ પર પોતાના પરીવાર સાથે રહે છે. તેઓની છ દિકરીઓ છે. તેઓના પતિ ગોવીંદભાઈના નામની લોધિકાના જસવંતપુર ગામ ખાતે 1-94-93 હેકટર જમીન હતી, તે પતિ ગોવીંદભાઇએ તા.14/12/2017 ના અર્જુનભાઈ સબાડને રૂ.58.50 લાખમા વેચાણ કરી દસ્તાવેજ કરી આપેલ હતો. આ અવેજની રકમમાથી તેમના પતિએ ખાંભા ગામ ખાતે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં-588 ની 1-78-69 હેકટર જમીન ભરતસિંહ ઉર્ફે ભયલુભા જાડેજા પાસેથી રૂ. 19.70 લાખમાં ખરીદ કરવામાં આવેલ હતી. પતિની હયાતીમા તા.05/03/2018 ના પરિવાર એક દિકરો તથા છ દિકરીઓ અને તેઓના હક્કની નોંધ રેવન્યુ રેકર્ડમાં કરવામા આવેલ હતી.
તેઓના પતિ વર્ષ-2017 થી ફેફસાની ગંભીર બિમારી થયેલ હોય જેથી દિકરો દિનેશ તમામ વિહવટ સંભાળતો હતો. બાદ તા.16/12/2018 ના પતિનું અવશાન થયેલ હતુ. પતિના અવશાન થયાને માત્ર 25 દિવસ બાદ ઘરે બધા હાજર હતા ત્યા પુત્ર દિનેશ દ્વારા વિશ્વાસઘાત કરવાના હેતુથી પતિના બેંક ખાતાઓમા વારસાઈ મુજબના તમામ લોકોની સહી રૂ. 100 ના સ્ટેમ્પ ઉપર નોટરી પાસે કરાવી બેંકમા જમા કરવાની છે તેવુ જણાવી સ્ટેમ્પ પેપર ઉપર ફરીયાદીની તથા દિકરીઓની સહીઓ લેવામા આવેલ હતી. ખરેખર આ સ્ટેમ્પ પેપર ઉપર તેઓ અને મારી દિકરીઓ પોતાની રાજીખુશીથી પોતાનો ખાંભા ગામની જમીનની ખેતીમાથી સંપુર્ણપણે રાજીખુશીથી હક્ક તેની તરફેણમાં કરી આપીએ છિએ તેવુ લખાણ કરવામા આવેલ હતુ. આ સોંગદનામાનુ લખાણ તેઓએ કરાવેલ નથી કે કુંટુંબી વકીલ કે નોટરી દ્વારા મૌખીક કે વાંચી સંભળાવેલ નથી. દિકરાના વિશ્વાસથી એ સહીઓ કરી આપેલ છે.
ત્યારબાદ ભારત સરકાર દ્વારા ખેડુતોને દર ત્રણ માસે રૂ.2 હજારની રોકડ સહાય બેંક ખાતામાં જમા થતી હતી તે બંધ થતા મામલતદાર કચેરી લોધીકા ખાતે તપાસ કરતા જાણવા મળેલ કે, તેઓએ અને દિકરીઓએ તા.24/01/2019 થી અરજી કરી રાજીખુશીથી પોતાનો ખાંભા ગામે ખેતીની જમીનમાથી સંપુર્ણ હક્ક જતો કરેલ હોવાથી તમારી રકમ જમા થયેલ નથી. તેમજ તેઓના પતિની હયાતીમા ગામ જશવંતપુરની ખેતીની જમીનનું વેચાણ કરવામા આવેલ તેની અવેજની રકમમાથી ખાંભા ગામની ખેતીની જમીન ખરીદ કરેલ જ્યારે અન્ય એક ખેતીની જમીન લોધીકા રેવન્યુ સર્વે નંબર 497 ની 1-60-86 હેકટર ખરીદ કરવાનુ નક્કી કરેલ પરંતુ તેના કાગળો ઓછા હોવાથી દસ્તાવેજ રૂ.11 75 લાખનો બનાવવાનુ નક્કી કરેલ હતુ. આ સમય દરમ્યાન પતિની અવશાન થયેલ ત્યારબાદ લોધિકાની જમીનના મુળ માલીક દ્વારા રજીસ્ટ્રર દસ્તાવેજ બનાવવા માટે જણાવતા પુત્ર દિનેશને વાતચીત કરી અને તા.28/03/2019 ના રૂ.12 લાખની રકમ વાળા ચેકમા ઘરે સહી કરી આપેલ હતો. આ ખેતીની જમીનનો દસ્તાવેજ તેઓના નામે કરાવવા જણાવેલ પરંતુ પુત્ર દ્વારા વિશ્વાસઘાત કરી તેઓએ આપેલ ચેક તેના એકાઉન્ટમાં જમા કરાવી પોતાના નામનો દસ્તાવેજ કરી લોધીકાની આ જમીનમા તેઓ અને વારસદાર છ દિકરીઓને હક્ક ન રહે તે માટે આ દસ્તાવેજ પોતાના નામે રજીસ્ટ્રર કરાવેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે તપાસ આદરી હતી.
