ફેસબુકમાં આરોહી અગ્રવાલે ગોલ્ડ ટ્રેડીંગમાં ઉચા વળતરની વાત કરી નંબર આપતા ફસાયો
ફેસબુકમાં આવેલ યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ કોઠારીયાના બાંધકામ ધંધાર્થીએ રૂ.39.22 લાખ ગુમાવ્યાં હતા. આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇડી ધારકે ગોલ્ડ ટ્રેડીંગમાં ઊંચા પ્રોફિટની વાતચીત કરી વોટ્સએપ નંબર આપી કોઠારીયાના યુવાનને ફસાવ્યાં હતાં. લિંક ઓપન કરતાં જ ખુલેલ ફેક વેબસાઈટમાં ટ્રેડિંગમાં રૂપીયા રોક્યા અને ગુમાવ્યાં હતાં.
જે બાદ વોલેટમાં રહેલ રૂપીયા વિડ્રો કરવાં ચાર્જ માંગતા ભાંડો ફૂટ્યો હતો. સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે કોઠારીયા વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈડી ધારક તેમજ અલગ અલગ વોટ્સએપ નંબર અને અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.
વધુમાં ફરીયાદ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ફરીયાદી યુવાનને તેમના ફેસબુક આઇડી પર મે 2025 માં એક આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે ફ્રેન્ડ રિક્વેસ્ટ ફરિયાદીએ એક્સેપ્ટ કરી હતી. બાદમાં બંનેએ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જે દરમિયાન આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી તેમાં વાતચીત ચાલુ કરી હતી.
જે બાદ ફરીયાદીને વિશ્વાસમાં લઈ ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે તેવી લાલચ આપી હતી. જેથી ફરીયાદી વિશ્વાસમાં આવી જતાં ફેસબુક આઈડી ધારકે તેમને વોટ્સએપમાં લિંક મોકલી તેમાં જોડાવા માટે કહ્યું હતું. જેથી ફરીયાદીએ તે લિંક ઓપન કરી તેઓ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતાં. જેમાં આવેલ લિંક ઓપન કરતાં તેમાંએક વેબસાઈટ જોવા મળતી અને તેમાં ગોલ્ડ પર ટ્રેડીંગ થતું હોય તેના ભાવ બતાવવામાં આવતાં હતાં.
જેથી તેઓએ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વેબસાઈટમાં તેઓએ કરેલ રોકાણમાં ઊંચું પ્રોફિટ મળી રહ્યું છે તેવું દર્શાવવામાં આવતું હતું. જેથી તેઓ વધું રૂપીયા રોકાણ કરવાં લાગ્યાં હતાં અને તેઓએ ગોલ્ડ ટ્રેડિંગમાં કુલ રૂ.39.22 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓએ વળતર માટે વાત કરતાં અલગ અલગ ચાર્જ ચૂકવવા પડશે તેમ સામેવાળા તરફથી મેસેજ આવતાં તેઓ સાથે ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જેથી ફેસબુક આઈડી ધારક આરોહી અગ્રવાલ સહિતના સાયબર ગઠિયાઓ ફેક વેબસાઈટ બનાવી ફરીયાદીને ગોલ્ડમાં ટ્રેડીંગ કરવાના નામે રૂ.39.22 લાખ પડાવી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. જે અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની રાહબરીમાં પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસ આદરી હતી.
