વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કેબીનેટ બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી
સરકારે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં વિદેશ-પેટ્રો મંત્રીની કમીટી બોલાવી
ગૃહસચિવે તમામ રાજયોના મુખ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સ કરી LPG પ્લાંટ- ડીસ્ટ્રીબ્યુશન વ્યવસ્થાને પોલીસ સુરક્ષા
ઈરાન-યુદ્ધના કારણે ભારતમાં જે ક્રુડતેલ અને ખાસ કરીને ગેસ કટોકટી સર્જાઈ રહી છે અને સરકાર હવે એક બાદ એક દેશોમાં સંપર્ક કરી ક્રુડતેલ-ગેસનો જથ્થો મેળવવા કોશીશ કરી રહી છે. તેમાં ઈરાન યુદ્ધ અને તેની ભારત પર પડનારી અસર પર નજર રાખવા અને તાકીદના નિર્ણય લેવા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહના અધ્યક્ષપદ હેઠળ ત્રણ સભ્યોની કમીટી બનાવાઈ હતી. જેમાં વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકર તથા પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પુરીના સમાવેશ થાય છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ઈરાન યુદ્ધ મુદે એક ખાસ બેઠક બોલાવાઈ હતી તેમાં દેશમાં ક્રુડતેલ અને ગેસના જથ્થાની તથા વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સરકારે હવે રાંધણગેસમાં એસ્મા લાગુ કર્યો છે તો બીજી તરફ અછત અંગે અફવા ફેલાવનાર સામે આકરી કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. કેન્દ્રીય ગૃહ સચીવ શ્રી ગોવિંદ મેનને તમામ રાજયના મુખ્ય સચીવો સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને એલપીજીની ઉપલબ્ધતાની માહિતી મેળવી હતી અને તમામ બોટલીંગ પ્લાંટ તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને પેટ્રોલ-ડીઝલ-ગેસ સિલીન્ડર વહન કરતા વાહનોને સુરક્ષા આપવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે જીલ્લા કલેકટર પુરવઠાની સતત સમીક્ષા કરશે અને લોકોમાં અફવા ફેલાય નહી તેની જનજાગૃતિ અભિયાન પણ ચલાવાશે.
આ ઉપરાંત સોશ્યલ મીડીયા પર ફેક ન્યુઝ કે જૂના વિડીયોથી ગભરાટ ફેલાવતા તત્વો સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. સરકારે એલએનજી આયાત વધારવા પણ શ્રેણીબદ્ધ પગલા લીધા છે અને આવશ્યક સેવામાં ગેસ પુરવઠો ખોરવાઈ જાય નહી તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું છે. વડાપ્રધાન શ્રી મોદીએ સ્પષ્ટ કર્યુ કે આ કટોકટી ભારત જ નહી અનેક દેશોની છે અને દેશની તૈયારી મજબૂત છે. સરકાર પુરવઠા સાંકળ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે જરૂરી સ્ત્રોત પણ છે. વડાપ્રધાને તમામ મંત્રીઓને પણ જનતામાં જઈને આક્રમક રીતે સચોટ માહિતી આપવા સૂચના આપી હતી.
