રોહીદાસપરા રોડ પર દ્વારકાધીશ ડેરીમાંથી શુધ્ધ ઘી લેતા પહેલા ચેતજો, રાજકોટ મનપાની ફૂડ શાખાએ લીધેલા નમૂના નાપાસ

રાજકોટમહાપાલિકાની ફૂડ શાખા દ્વારા કુવાડવા રોડ પરની ડેરીમાંથી લેવામાં આવેલા શુધ્ધ ઘીનો નમુનો લેબ પરીક્ષણમાં ફેઇલ જાહેર થતા કાયદેસર કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં આ રીતે ઘીનો વધુ એક નમુનો ફેઇલ ગયો છે. શહેરના કુવાડવા રોડ પર રોહીદાસપરા મેઇન રોડ પર આવેલા જય દ્વારકાધીશ ડેરીમાંથી લેવાયેલા કથિત શુધ્ધ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી મળતા નમુનો ફેઇલ થયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કુવાડવા રોડ પર આશ્રમ સામે, શ્રી ખોડીયાર મંદિર સામે, રોહિદાસપરા મેઇન રોડ પર આવેલ જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો લેવાયો હતો. જેના પૃથ્થકરણ રિપોર્ટમાં બીઆર રીડીંગ 40 ડિગ્રી તથા આયોડિન વેલ્યૂની માત્રા ધારાધોરણ કરતાં વધુ અને વેજીટેબલ ફેટની હાજરી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગે જણાવ્યું હતું.

પ્રોવીઝન સ્ટોરથી માંડી મોલ-સુપરમાર્કેટમાં અનાજ ચેકીંગ ડ્રાઇવ
ઉનાળામાં અનાજ-કઠોળના નમુના લેવા ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. સર્વેલન્સ ચેકિંગ અને સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત 12 પેઢીઓમાં તપાસ કરીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 15 નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. જયાંથી નમુના લેવાયા છે તેમાં સાધુ વાસવાણી રોડ, શ્રીનાથજી પાર્કની ગોલ્ડન સુપર માર્કેટમાંથી સોયાબીન અને દેશી ચણા, આ જ રોડ પર શાક માર્કેટ પાસે આર.હાઇપર માર્કેટમાંથી તુવેર દાળ, જય વરદાયિની કોમ્પ્લેક્ષમાં ઓમ સુપર માર્કેટમાંથી મગ છડી દાળ અને કાબુલી ચણા, રૈયા રોડના ઇન્દ્રપ્રસ્થમાં બાલાજી શોપીંગ સેન્ટરમાંથી સફેદ ચોળી, મઢી પાસેના શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોરમાંથી મગ, ભગવતી પ્રોવિઝન સ્ટોરમાંથી ચણાદાળ, એન.બી.બ્રધર્સમાંથી રાજમાના નમુના લેવાયા હતા. આ ઉપરાંત રૈયા રોડ કૌશલ બેકરી પાસે જય સીયારામ શોપીંગ સેન્ટરમાંથી લીલા વટાણા, સાધુ વાસવાણી રોડ ડેકોરા સ્કવેરમાં ચંદન સુપર માર્કેટમાંથી અડદ, પંચાયતનગરમાં બાલાજી સુપર માર્કેટમાંથી રાજમા અને તુવેર દાળ, શાંતિવન સોસાયટીમાં રાજેશ અનાજ ભંડારમાંથી લુઝ વાલ તથા કાલાવડ રોડ અક્ષર માર્ગ પર એન.કાકુભાઇ ગાંધી પેઢીમાંથી લુઝ મઠના સેમ્પલ લેવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ