ભત્રીજીના સગાઇ પ્રસંગેથી પરત ફરતા દંપતિને નડયો અકસ્માત
રાજકોટ- ભાવનગર હાઈવે પર ત્રંબા નજીક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. દ્વારકાધીશ હોટલ પાસે કાળમુખા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર પતિ-પત્ની રોડ પર પટકાયા હતા. જેમાં પતિના શરીર પરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ ભાવનગર હાઇવે પર જય દ્વારકાધીશ હોટલની સામે કસ્તુરબા ધામ ત્રંબા ખાતે ગઈકાલે સાંજના સમયે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈકચાલક હેમંતભાઈ અમરશીભાઈ મકવાણા(ઉ.વ. 45) પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે બાઈકમાં તેમની સાથે બેઠેલા તેમના પત્ની પ્રભાબેન (ઉ.વ. 42) ને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટનાના પગલે આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામનાર હેમંતભાઈ મકવાણાને સંતાનમાં બે પુત્રી છે તેઓ બે ભાઈ ત્રણ બહેનના પરિવારમાં મોટા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે હેમંતભાઈના પત્ની પ્રભાબેનના બહેન ચંદ્રિકાબેન ચૌહાણની દીકરીની સગાઈની વાત કરવા માટે દંપતી કસ્તુરબાધામ ત્રંબા ખાતે ગયા હતા. બાદમાં તેમની પુત્રી-ભાભી સહિતના સગા વ્હાલાઓ પણ અહીં છોકરાને જોવા માટે આવ્યા હતા. સાંજના પાંચેક વાગ્યા આસપાસ હેંમતભાઈ અને તેમના પત્ની પ્રભાબેન બાઈક લઇ ઘરે જવા માટે નીકળ્યા હતા અને તેમની પુત્રી સહિતના અન્ય પરિવારજનો પાછળ અન્ય વાહનમાં આવતા હતા. દરમિયાન અહીં કસ્તુરબાધામ નજીક જય દ્વારકાધીશ હોટલ પાસે ટ્રકે બાઇકની હડફેટે લેતા પ્રભાબેનની નજર સામે તેમના પતિનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગે પ્રભાબેન હેમંતભાઈ મકવાણા (ઉ.વ.42) ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક નંબર જીજે10 એકસ 7341 ના ચાલક મુકેશ કાબાભાઈ વિસાવડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
