4માંથી એક મશીન બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકી: નવા મશીનની માંગણી કર્યાનો તંત્રનું રટણ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વહીવટી ઉદાસીનતા અને દર્દીઓની હાલાકીને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના અત્યંત મહત્વના ગણાતા ટ્રોમા સેન્ટરમાં આવેલું સોનોગ્રાફી મશીન છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં હોવાથી દર્દીઓ અને સગર્ભા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં સોનોગ્રાફી માટે કુલ 4 મશીનો ઉપલબ્ધ છે. જેમાં રૂમ નંબર 1માં દાખલ દર્દીની સોનોગ્રાફી કરવામાં આવે છે. જયારે રૂમ નંબર 2, 3 અને 4માં ઓપીડી વિભાગમાં આવતા દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. જો કે, તેમાંથી રૂમ નંબર 4નું સોનોગ્રાફી મશીન છેલ્લા 90 દિવસથી ટેકનિકલ ખામીના કારણે બંધ પડ્યું છે.
હોસ્પિટલમાં રોજના અંદાજે 300થી વધુ દર્દીઓ સોનોગ્રાફી રિપોર્ટ કરાવવા માટે આવે છે. એક મશીન બંધ હોવાના કારણે બાકીના મશીનો પર દર્દીઓનો ભારોભાર ઘસારો જોવા મળી રહ્યો છે, જેના લીધે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ટ્રોમા સેન્ટરમાં સામાન્ય રીતે અકસ્માત, ઈમરજન્સી કે ગંભીર સ્થિતિ વાળા દર્દીઓને લાવવામાં આવે છે, જ્યાં ત્વરિત નિદાન ખૂબ જ જરૂૂરી હોય છે. પરંતુ અહીં એક મશીન બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓ અને તેમના સગાંઓ સોનોગ્રાફી રૂૂમની બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહી જાય છે. ચાર-ચાર કલાક સુધી ઊભા રહ્યા બાદ પણ ક્યારેક વારો આવતો નથી. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે બંધ પડેલા મશીન અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે અને નવા આધુનિક સોનોગ્રાફી મશીનની માંગણી પણ મોકલી આપવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રક્રિયા કઈ ગતિએ ચાલી રહી છે? તંત્રની આ ધીમી કામગીરીનો ભોગ રોજ સેંકડો નિર્દોષ દર્દીઓ બની રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવી પરિસ્થિતિમાં ટ્રોમા સેન્ટર જેવા સંવેદનશીલ વિભાગમાં મશીન મહિનાઓ સુધી બંધ રહે તે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ બંધ મશીનને તાત્કાલિક રીપેર કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ભાગરૂપે નવું મશીન વહેલી તકે ફાળવવામાં આવે જેથી ગરીબ દર્દીઓને હાલાકીમાંથી મુક્તિ મળે તેવી દર્દીઓ માંગ કરી રહ્યા છે.
