રાજકોટમાં સિતમ ગુજારતા કારખાનેદાર વિરૂદ્ધ પત્નીએ નોંધાવી ફરિયાદ

તુ બાપ વગરની છો તને કોઈ નહી લઈ જાય, હું પૈસાવાળો છું મારી પાછળ તો લાઈન થશે તેવુ કહી ત્રાસ આપતા હોવાની રાવ

કોઠારિયા મેઈન રોડ પર શિવમ પાર્કમાં રહેતા કાસ્ટિંગનું કારખાનું ધરાવતા કારખાનેદાર પતિ તથા સાસરિયાં સામે માનસિક ત્રાસ ગુજાર્યા અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે કોઠારિયા મેઈન રોડ પર શિવમ પાર્કમાં રહેતા બંસીબેન પ્રશાંતભાઈ બોઘરા (ઉ.વ 29 )ની ફરિયાદ પરથી મહિલા પોલીસે તેમના પતિ પ્રશાંત મુકેશ બોઘરા, સાસુ રંજનબેન મુકેશ બોઘરા, મુકેશ રાવજી બોઘરા રહે .આદર્શ સિટી 80 ફૂટ રોડની સામે બી.એન.એસ.ની કલમ 85,54 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી બંસીબેને કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે. તેમના લગ્ન 11/03/2023 ના રોજ જ્ઞાતિના રીતિરિવાજ મુજબ થયા હતા.
ત્રણ વર્ષ અને ચાર મહિનાના લગ્ન જીવનમાં બે વર્ષ સાથે રહેલા છે. પતિ મને કહેતા હતા કે, તું મને ક્યાંય લઇ જતી નથી,મારી સાથે લગ્ન કર્યા હોય એવું મને લાગતું નથી.મારા પતિ મને પૈસા આપતા નહીં અને મને કહેતા હતા કે તારે જ્યાંથી પૈસાનો મેળ કરવો હોય ત્યાંથી કરી લે. મારા પતિ આખો દિવસ માળા ફેરવતા હતા અને કહેતા હતા કે, મારે સંન્યાસ લઇ લેવો છે અને મારી સાથે વાત કરતા નહીં.
મને અવારનવાર મેણાંટોણાં મારતા હતા કે, તું ભણેલી છો, તો તું કામ કર, મને હું અભણ છું મારાથી કામ નહીં થાય, હું પૈસા વાળો છું, મારે તો છોકરીઓની લાઈન લાગી જશે. તું બાપ વગરની છો તને કોઈ નહીં લઇ જાય એમ કહી માનસિક ત્રાસ આપતા હતા. મારા સસરા દારૂ પી ઘરમાં આવતા અને પતિ અને પત્નીનો ઝઘડો કરાવતા હતા. મારા પતિ, સાસુ અને સસરા ગર્ભ રાખવા માટે દબાણ કરતા હોવાથી મેં ફિનાઈલ પણ પીધું હતું. મેં પ્રેગનન્સી ન રાખતા મને ઘરમાંથી કાઢી મૂકી હતી.

રિલેટેડ ન્યૂઝ