હાલ દિલ્હીથી ગોવા પહોંચવામાં 34 કલાક થાય છે પણ એકસપ્રેસ વે બની ગયા બાદ આ યાત્રા 19 કલાકની થઈ જશે
નવી દિલ્હી તા.24
દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે થી ગુજરાતની યાત્રા ઘણી સરળ બનનાર છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ડિસેમ્બરથી દિલ્હી-વડોદરા સેકશન હાઈ સ્પીડ યાત્રા માટે ખોલવામાં આવશે. હાલ ગુજરાત પહોંચવામાં 18 કલાક લાગે છે. એકસપ્રેસ-વે બન્યા બાદ માત્ર 10 કલાકમાં જ અહીં પહોંચી શકાશે. મુંબઈ કે પછી દિલ્હીથી ગુજરાત જનારાઓ માટે નિશ્ર્ચિત રીતે આ એક સારી ખબર છે. યાદ રહે આ સેકશન હાલના માર્ગની તુલનામાં રોડથી ગોવાની યાત્રાને પણ સરળ કરી દેશે.
દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે ને ટુંક સમયમાં કનેકટીવીટી મળનાર છે. એક એવા લિંક એકસપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે દિલ્હી, ગાઝીયાબાદ, નોઈડા અને ફરીદાબાદને ડીએમડી ફલાઈઓવર અને દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે સાથે જોડશે. તે તૈયાર થઈ ગયા બાદ દૌસા અને જયપુરથી આવતા જનારાઓને ગુડગાંવના રસ્તે જવાની જરૂર નહીં રહે. જો દાહોદ સેકશન છોડી દઈ તો પણ દિલ્હી-વડોદરા ખંડ આ વર્ષે ડિસેમ્બરમાં બનીને તૈયાર થઈ શકે છે.
ગોવાની સફર પણ સરળ બનશે: દિલ્હી-વડોદરા સેકશન ફરીદાબાદ, વલ્લભગઢ, સોહના, નુંહ, પલવલ, અલવર, ભરતપુર, દૌસા, સવાઈ માધોપુર, ટોંક, બુંદી, કોટા, મંદસોર, રતલામ, ઝાબુઆ, દાહોદ, લિમખેડા, પંચમહાલ અને વડોદરા થઈને જનાર છે. આ એકસપ્રેસ વે બની ગયા બાદ ગોવાની સફર પણ આસાન બની જશે. હાલ દિલ્હીથી ગોવા જવામાં 34 કલાક લાગે છે પણ આ એકસપ્રેસ વે બનવાથી યાત્રાનો સમય ઘટીને 19 કલાક થઈ જશે જયારે મુંબઈ પહોંચવામાં 12 કલાક લાગશે. ત્યાંથી ગ્રીન ફિલ્ડ મુંબઈ-ગોવા એકસપ્રેસ વેથી 7 કલાકમાં પહોંચી શકાય છે.
આનો અર્થ એ છે કે કુલ યાત્રા સમય ઘટીને 19 કલાક થઈ જશે.
દ્વારકા એકસપ્રેસ વે 3-4 મહિનામાં પુરો થશે: બીજી બાજુ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે દ્વારકા એકસપ્રેસ વેનું કામ આગામી 3-4 મહિનામાં પુરું થઈ જશે.
દેશના આ પ્રથમ એલિવેટેડ અર્બન એકસપ્રેસ વે થી દિલ્હી-ગુરુગ્રામ વચ્ચે પરિવહન દબાણ ઘટી જશે. ગડકરીએ જણાવ્યું હતું કે એકસપ્રેસ વેનું કામ ચાર પેકેજમાં પુરું થશે. દ્વારકા એકસપ્રેસ વે પર ટોલ સંગ્રહનું કામ પુરી રીતે ઓટોમેટીક હશે અને પુરી યોજના આઈટીએસથી સજજ હશે. દ્વારકા એકસપ્રેસ વે ની કુલ લંબાઈ 29 કિલોમીટર છે. તેમાં 18.8 કિલોમીટર હરિયાણામાં જયારે બાકી 10.1 કિલોમીટર દિલ્હીમાં છે. એકસપ્રેસ વે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 પાસે દિલ્હીના મહિપાલપુરમાં શિવમૂર્તિ પાસેથી શરૂ થશે.