અંબાણી જુનીયર સામે મુશ્કેલીની કતાર: ન્યુયોર્કમાં લકઝરી ખરીદી મુદે ટીના પણ રડારમાં
એક સમયના ટોચના ઉદ્યોગપતિમાં સ્થાન ધરાવતા અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધતી જાય છે. એક તરફ એપસ્ટીન ફાઈલમાં પણ અનિલ અંબાણીનું નામ બહાર આવ્યુ છે તો બીજી તરફ હવે એન્ફોર્સમેન્ટ વિભાગે હવે અનિલ અંબાણીના પુરા ગ્રુપની તપાસ માટે સ્પે.ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવા જાહેરાત કરી છે.
રૂા.40 હજાર કરોડથી વધુના કોર્પોરેટ અને બેન્કીંગ ફ્રોડમાં આ તપાસ થશે અને તેની સાથોસાથ ઈડીએ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીને પણ હવે પુછપરછ માટે સોમવારે બોલાવાયા હતા પરંતુ તેઓ હાજર ન થતા હવે નવુ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવશે. ન્યુયોર્કના મેનહટ્ટનમાં એક લકઝરી કોન્ડોમીનીયમ ખરીદી મુદે આ તપાસમાં ટીના અંબાણીને આગામી સોમવારે હાજર થવાનું હતું પણ તેઓએ કોઈ કારણ આપ્યા વગર હાજર થયા નથી. ઈડીએ હવે તેમને નવી તારીખે બોલાવવા નિર્ણય લીધો છે. હાલ રિલાયન્સ કોમ્યુનીકેશનના પુર્વ પ્રેસીડેન્ટ પુનીત ગર્ગના ઈડીની કસ્ટડીમાં છે અને સુપ્રીમકોર્ટના આદેશ બાદ ઈડીએ ખાસ તપાસ ટીમ દ્વારા હવે અનિલ અંબાણી ગ્રુપ સામેના તમામ આક્ષેપોની તપાસ કરવા નિર્ણય લીધો છે.
