સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું : તા. 25-26મીએ હડતાળ

હડતાળથી સળંગ ચાર દી’ બેન્કની કાર્યવાહી ખોરવાશે – સુરક્ષા ગાર્ડ, મેસેન્જરની તાત્કાલીક ભરતી, આઉટસોર્સીંગ બંધ કરવા સહિતની માંગણી

ભારતની જાહેરક્ષેત્રની સૌથી મોટી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં કર્મચારીઓ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આગામી 25 અને 26 મે ના બે દિવસની હડતાલને કારણે બેંકનું કામકાજ ચાર દિવસ ખોરવાય જાય તેવો ઘાટ સર્જાશે. 25 અને 26 મે ના રોજ હડતાળ પુર્વે 23 અને 24 મે ના રોજ ચોથા શનિવાર તથા રવિવારની રજા હશે અને સ્ટેટ બેંકમાં નાણાંકીય વ્યવહાર ચાર દિવસ માટે ખોરવાઈ જશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા જાહેર કરવામાં આવી છે કે એકાદ ડઝન જેટલી પડતર માંગણીઓના ટેકામાં બે દિવસની હડતાળ જાહેર કરવામાં આવી છે. અધિકારીઓ હડતાલમાં સામેલ નથી થવાના છતાં કર્મચારીઓની ગેરહાજરીમાં બેંકીંગ વ્યવહાર ઠપ્પ જ થઈ જવાની શકયતા છે. કર્મચારી યુનિયનની મુખ્ય માંગણીઓમાં સુરક્ષા ગાર્ડ તથા મેસેન્જરની તાત્કાલીક ભરતી, આઉટસોર્સિંગ બંધ કરવા, એનપીએસ કર્મચારીઓને પેન્શન ફંડ મેનેજર બદલવાની છુટ્ટ આપવા, 2019 પછી ભરતી થયેલ કર્મચારીઓ માટે ઈન્ટર સર્કલ ટ્રાન્સફર શરૂ કરવા, સ્ટાફની અછત દુર કરવા, મેડીકલ રીઈમ્બર્સમેન્ટ સ્કીમમાં સુધારા કરવા, બોર્ડમાં વર્કમેન કર્મચારીથી ડીરેકટર તરીકે નિમણુંક કરવા, ક્રોસ સેલિંગના નામે મીસ સેલિંગ બંધ કરવાનો સમાવેશ થાય છે. બેંકમાં 30 વર્ષથી મેસેન્જર ભરતી થઈ ન હોવાથી નામની વ્યવસ્થા પર અસર થઈ છે. સુરક્ષા ગાર્ડની અછતને કારણે ગ્રાહકો તથા બેંક સંપતિને જોખમ છે. તાજેતરમાં સુરતમાં બેંકમાં લાખોની લુંટ થઈ જ હતી. હડતાળ પુર્વે યુનિયન દ્વારા ધરણા-પ્રદર્શન, સોશ્યલ મીડીયા અભિયાન, કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ