રાજયસભાના ઉમેદવારો જાહેર થતા જ હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા શરૂ
રવનીતસિંહ બિટ્ટુ અને જયોર્જ કુરીયનને ભાજપે ઉપલા ગૃહમાં રિપીટ ન કર્યા: અગાઉ બે કેન્દ્રીય મંત્રીઓને સંગઠનમાં જવાબદારી સોંપાતા તેઓના સ્થાન પણ ખાલી પડશે: જૂનના મધ્યમાં ફેરફાર શકય
આગામી તા.18ના રોજ યોજાનારી રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થતા જ તેની સાથે કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર અંગે પણ સંકેતો મળવા લાગ્યા છે અને માનવામાં આવે છે કે તા.10 જૂન આસપાસ મોદી સરકારના મોટા ફેરફાર થશે.
રાજયસભાના ઉમેદવારોની યાદીમાં બે કેન્દ્રીય મંત્રીઓ રવનીતસિંહ બિટ્ટુ તથા જયોર્જ કુરિયનને ભાજપે ફરી ટિકીટ આપી નથી. આથી તેઓ હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં નહી હોય તે નિશ્ર્ચિત બનવા લાગ્યુ છે. આ ઉપરાંત હાલમાં જ ભાજપે જે સંગઠનમાં ફેરફાર કર્યા તેમાં બે કેન્દ્રીય મંત્રીઓ પંકજ ચૌધરીને ઉતરપ્રદેશ ભાજપના પ્રમુખ બનાવાયા છે. જયારે હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપની જવાબદારી સોંપાઈ છે. આમ સંગઠનમાં જતા આ બંને મંત્રીઓ પણ રાજીનામા આપશે તે નિશ્ર્ચિત છે. આમ અત્યારથી જ ચાર સ્થાન ખાલી થઈ જશે તે ચર્ચા છે. 2022માં આવી જ રીતે આરસીપી સિંઘ અને નકવીને રાજયસભામાં રીપીટ ન કરાયા તે બાદ તેઓને મંત્રીમંડળ પણ છોડવુ પડયુ હતું. મોદી સરકાર તેની ત્રીજી ટર્મના બે વર્ષ 10 જૂનના રોજ પુરા કરી રહી છે અને 2029ની ચુંટણી પુર્વે હવે તથા આગામી સમયમાં યોજાનારી ધારાસભાઓની ચુંટણી સમયે કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજયોના પ્રતિનિધિત્વમાં ફેરફાર થશે તે નિશ્ર્ચિત છે અને તેમાં હાલના જે નવા રાજયસભાના સાંસદો ચુંટાશે તેમાંથી પણ કોઈને તક મળી શકે છે. ખાસ કરીને હજુ ભાજપે કર્ણાટક અને ઝારખંડના ઉમેદવાર જાહેર કરવાનું બાકી છે અને તે બંને રાજયોમાં ભાજપ કોને ટિકીટ આપે છે તેના પર નજર છે. બીજી તરફ લાંબા સમયથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર અંગે અને ખાસ કરીને નાણામંત્રાલયમાં ફેરફાર થશે તેવી ચર્ચા છે. હાલ જે ઈરાન યુદ્ધને કારણે અર્થતંત્ર સામે પડકારો સર્જાયા છે તેમાં હવે કોઈ કેરિયર અર્થશાસ્ત્રીને નાણામંત્રાલય સોંપાય તો પણ આશ્ર્ચર્ય થશે નહી તો બીજી તરફ હાલના વ્યાપાર મંત્રી પિયુષ ગોયલનું નામ પણ નાણામંત્રાલય માટે ચર્ચામાં છે.
