ગુરૂવારે મળનારી બેઠકમાં મુખ્ય એજન્ડા: રિયલ એસ્ટેટ તથા ટ્રાન્સપોર્ટ વાહનોને ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં વધુ રાહત-સરળતા મળશે
નવી દિલ્હી: ગત વર્ષે જીએસટીમાં સ્લેબ તથા દરોમાં સુધારા બાદ હવે ફરી એક વખત મળી રહેલી જીએસટી કાઉન્સીલની 56મી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કરશે. જો કે તા.7ના રોજ યોજાનારી આ બેઠક હવે એક દિવસ વિલંબમાં પડી છે અને તા.8ના રોજ યોજાશે. અગાઉના તા.12 સપ્ટેમ્બરના આ બેઠક મળનાર હતી પણ દિલ્હીમાં બ્રીકસ-શિખર પરિષદના કારણે તે મુલત્વી રહી હતી અને તા.7 ઓકટોબર નિશ્ર્ચિત કરવામાં આવી હતી. હવે તેમાં કોઈ કારણોસર તા.8ના યોજાશે.
સૌથી મહત્વનું આ બેઠકમાં હવે જીએસટી દર વધારવા-ઘટાડવા વિ. મુદે વારંવાર કોઈ નિર્ણય નહી લેવા અને જો કોઈ ફેરફાર કરવા જરૂરી હોય તો દર વર્ષે તા.1 એપ્રિલથી અમલમાં આવે તે જ રીતે ફેરફાર કરવા નિર્ણય લેવાશે.
ગત વર્ષે જે ફેરફાર કરાયા બાદ પુરા એક વર્ષમાં કોઈ ટેક્ષ દર બદલાયા નથી પણ હવે તા.1 એપ્રિલ જ આ પ્રકારે ફેરફાર થશે તેવો નિર્ણય લેવાશે. આ ઉપરાંત આ બેઠકમાં જીએસટી માળખાને હવે વ્યાપાર-ફ્રેન્ડલી બનાવવા પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. જેમાં રજીસ્ટ્રેશન, રિટર્ન, રિફંડના નિયમો આસાન થશે તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી રાહત મળી શકે છે. ખાસ કરીને બાંધકામ મટિરિયલમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ અંગે પણ નિર્ણય લેવાશે તો મોટર વ્હીકલ આઈટીસીમાં પણ ફેરફાર થશે. જેમાં વિમા, રિપેર તથા સર્વિસ વિ. માટે ટ્રાન્સપોર્ટસ-વ્યાપારી ઉપયોગમાં લેવાતા વાહનો માટે ઈનપુટ ટેક્ષક્રેડીટને સરળ બનાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સીલ દ્વારા ગત વર્ષે નવરાત્રીના તહેવાર વખતે જ અંદાજીત 400 જેટલી ચીજ વસ્તુઓમાં ટેકસ ઘટાડો કરીને લોકોને ફેસ્ટીવલ ગીફટ આપવામાં આવી હતી આ વખતે પણ તહેવારો વખતે જ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવનાર છે. જોકે આ વખતે ટેકસમાં કોઇ મોટા ફેરફાર થવાની સંભાવના નથી પરંતુ પ્રક્રિયામાં ધરખમ બદલાવ થશે અને તેને કારણે આડકતરી રીતે વેપાર ઉદ્યોગકારોથી માંડીને રીયલ એસ્ટેટ સુધીના ક્ષેત્રમાં રાહત મળવાની સંભાવના વ્યકત થઇ રહી છે. સોના-ચાંદીની આયાત કરતી એજન્સીઓને જીએસટી લાગુ કરવામાં આવે તેવી પણ અટકળો પ્રવર્તી રહી છે. ત્યારે આ મામલે ઝવેરાત ઉદ્યોગની બેઠક પર નજર છે. જીએસટી કાઉન્સીલની બેઠક એક દિવસ મોડી કરવામાં આવી છે તે માટે કોઇ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ સરકાર વધુ એક ફેસ્ટીવલ ગીફટ આપવા માટે છેલ્લી ઘડીના ફેરફાર કરવાના મુડમાં છે કે કેમ તે વિશે અટકળો છે.
