ચોટીલાથી દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો
બેની ગંભીર હાલત : ખુલ્લા ડિવાઈડરમાંથી પીકઅપ વાને ટર્ન લેતા પુરઝડપે આવેલી કાર ટકરાઈને રસ્તા પર ઉભેલા ટ્રક સાથે ટકરાઈ
ચોટીલા-અમદાવાદ હાઈવે પર આજે સવારના સમયે મઘરીખડા ગામ નજીક ચામુંડા માતાજીના દર્શન કરી પરત સેજપુર જતા ઠાકોર પરિવારની કારનો કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. ખાનગી કાર અને પીકઅપ વાન વચ્ચે થયેલી આ ભયાનક અથડામણમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક બાળક સહિત બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ પાસિંગની એક ખાનગી કાર ચોટીલા હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે મઘરીખડા પાસે અચાનક પીકઅપ વાન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર હાઈવે પરથી અંદાજે 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ હતી અને રોડ સાઈડમાં આવેલી હોટલના ગ્રાઉન્ડમાં પડેલા અન્ય એક ટ્રક સાથે જઈને અથડાઈ હતી. આમ, આ ઘટનામાં ત્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો.
હતો આ દુર્ઘટનામાં કારમાં સવાર સેજપુર અમદાવાદના ઠાકોર પરિવારના સોનાલીબેન કલ્પેશભાઇ ઠાકોર ઉ. વ. 32, અને આશિષ રણજીતભાઇ ઠાકોર ઉ. વ 17 ના સ્થળ ઉપર જ મોત નિપજ્યા છે. જ્યારે કલ્પેશ કનુભાઈ ઠાકોર અને કાર ચાલક હર્ષદભાઈ ને ગંભીર ઇજા પહોચતા તેઓને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતકના પરિવારજનોના જણાવ્યાનુસાર ભોગ બનનાર ચૈત્રી નવરાત્રી હોવાથી ચોટીલા માતાજીના દર્શન માટે આવેલ હતા જેઓ ઘરે જવા પરત થયા ત્યારે ચોટીલા થી 10 કીમી અમદાવાદ તરફ પહોચતા અકસ્માત સર્જાયો હતો.
ખુલ્લા ડિવાઈડરે બે જિંદગીઓ હોમી?
ઘટના સ્થળના પ્રાથમિક અનુમાન મુજબ, જે સ્થળે અકસ્માત સર્જાયો છે ત્યાં સામે ખુલ્લું ડિવાઈડર છે. જે આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. પીકઅપ વાન જ્યારે આ ખુલ્લા ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરી એકાએક ટર્ન લીધો જેના કારણે કાર ટકરાઇને ફંગોળાઈ અને સામે હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ટ્રક સાથે જોરદાર ધમાકા સાથે અથડાઈ પડેલ હતી.
ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ પ્રથમ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે ચોટીલા હોસ્પિટલ ખસેડ્યા હતા.
