જેસીબીની મદદથી મૃતદેહ બહાર કઢાયો, પંથકમાં ભયનો માહોલ
ખોરાસા ગીર વિસ્તારમાં આવેલ કાલિન્દ્રી નદીમાં આજે બપોરે દુ:ખદ અને ચોંકાવનારી ઘટના બની હતી. નદી કિનારે ગયેલી એક પ્રોઢ મહિલાને મગરએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ ખોરસા ગામના વતની બીનાબેન ઉકાભાઈ સેવારા (ઉ.વ. 59)નુ ખેતર નદીની બાજુમાં આવેલ હોવાથી તેઓ બપોરના અંદાજે 12:00 વાગ્યાની આસપાસ વાસણ સાફ કરવા માટે નદી કિનારે ગયા હતા. તે દરમિયાન પાણીમાં રહેલા મગરએ અચાનક હુમલો કરતા મહિલાને ખેંચી લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખોરાસા ગામના સરપંચ શૈલેષભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
મહિલાનો મૃતદેહ જેસીબીની મદદથી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મગરને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા નદી કિનારે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને નદી અને જળાશય નજીક સાવચેતી રાખવા તેમજ એકલા ન જવાની અપીલ કરવામાં આવી છે.
આ ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા વધારી છે અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે.
