લાલપુર નજીક મેઘપર પંથકમાંથી હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા

રૂપિયા 2.88 લાખની કિંમતના હેરોઈનના પ્રકરણમાં: ત્રીજા પંજાબના સપ્લાયરનું નામ ખુલ્યું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 03/05/2026ના રોજ બપોરે જોગવડ ગામ નજીક ભાડાના રૂમમાં રેડ કરીને પોલીસે હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ કામગીરી દરમિયાન પોલીસે મૂળ પંજાબના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં હરજીતસિંહ ગુરદીપસિંહ (ઉંમર 38, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર) તથા અજીજશાહ આસ્કશાહ (ઉંમર 32, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર)નો સમાવેશ થાય છે. જ્યારે કુલવિંદરસિંહ ગુરદીપસિંહ નામનો આરોપી હાલ ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફરાર આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થો (હેરોઇન, મોર્ફિન, કોડીન) મેળવી રાખ્યા હતા. પોલીસે કુલ 14.400 ગ્રામ હેરોઇન (કિંમત અંદાજે રૂ. 2,88,000), બે મોબાઇલ ફોન (રૂ. 10,000), એક વજન કાંટો (રૂ. 500), રોકડ રૂ. 950 અને નાની પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ટુકડાઓ સહિત કુલ રૂ. 2,99,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ આ નશીલા પદાર્થોનો છૂટક વેચાણ કરવા માટે નાના પેકેટમાં તૈયાર કરવામાં આવતા હતા. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી પી.એસ.આઈ. અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે.
જિલ્લામાં નશાના વેપાર સામે પોલીસનો આ સખત મેસેજ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન નશીલા પદાર્થના સંદર્ભમાં એસ.ઓ.જી. દ્વારા બીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. જે બંને દરોડામાં નશા ના કારોબાર નું કનેક્શન પંજાબ તરફનું ખુલ્લું છે, અને પોલીસ દ્વારા તપાસનો દોર ત્યાં સુધી લંબાવાયો છે.

રિલેટેડ ન્યૂઝ