રાજકોટ: રિક્ષામાં 295 બોટલ વિદેશી દારૂ સાથે રીઢો શખ્સ ઝડપાયો

LCB ઝોન-2એ 45 ગુનામાં સામેલ ઘંટેશ્ર્વરના વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડની કરી ધરપકડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એલ.સી.બી. ઝોન-2ની ટીમે મોટી સફળતા મેળવી છે. આ કિસ્સામાં જામનગર રોડ પરથી લાખોના મુદ્દામાલ સાથે 45 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા રીક્ષાચાલકને ઝડપી દારૂ તેમ જ રિક્ષા સહિત મુદ્દા માલ કબજે કરી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા શહેરમાં દારૂ-જુગારની બદીઓને નાબૂદ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઈ આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન બાતમી મળી હતી કે જામનગર રોડ પરથી પસાર થતી એક સીએનજી રીક્ષામાં દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે આ બાતમીના આધારે ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર પાસે વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની સીએનજી રીક્ષા આવતા જ પોલીસ ટીમે તેને ચારેબાજુથી કોર્ડન કરી લીધી હતી. રીક્ષાની તપાસ કરતા તેમાંથી રોયલ સિલેક્ટ અને રોયલ સ્પેશ્યલ ડીલક્સ વ્હીસ્કીની પ્લાસ્ટિકની સીલબંધ 295 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને હેરફેર માટે વપરાયેલી રીક્ષા સહિત કુલ રૂ. 94,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડ (ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટર નં.1223 જામનગર રોડ) નામના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી વનરાજ ઉર્ફે વિશાલ અગાઉ 45 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂબંધી, મારામારી અને જુગારધારા હેઠળ અસંખ્ય કેસો નોંધાયેલા છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઝોન-2ના એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા સહિતની ટીમ જોડાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ