પાંચ રાજયોની ચુંટણીમાં ભાજપ માટે વિજયની સ્થિતિથી દેશનાં રાજકારણમાં બદલાવ આવશે

આગામી વર્ષે યુપી, ગુજરાત સહિતના રાજયોની ચુંટણી: ભાજપ મધ્યસત્ર ચુંટણીનો દાવ ખેલશે!

આજે જાહેર થયેલા પાંચ રાજયોના ચુંટણી પરિણામો આગામી સમયમાં દેશની રાજનીતિની દિશા બદલશે તે નિશ્ર્ચિત થઈ ગયું છે. 2024માં જે રીતે ભાજપને જે રીતે બહુમતીથી દુર રહેવું પડયું હતું અને 240 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો તે બાદ યોજાયેલી ધારાસભા ચૂંટણીઓમાં એક માત્ર ઝારખંડ સિવાય તમામ રાજયમાં ભાજપને જબરી સફળતા મળી હતી અને ગત વર્ષે બિહારમાં ભાજપે ચુંટણી વિજય મેળવ્યા બાદ હવે મુખ્યમંત્રીપદે પણ ભાજપના જ સમ્રાટ ચૌધરી આવી ગયા છે અને તે સાથે આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે પશ્ર્ચિમ બંગાળમાં પશ્ર્ચિમ વિજય મેળવ્યો છે અને આસામમાં પક્ષની સરકાર યથાવત રહી છે તથા તામિલનાડુમાં પણ બે પરંપરાગત હરીફ ડીએમકે અને અન્નાડીએમકેની સાથે ભાજપે અન્નાડીએમકેને પસંદ કરીને દક્ષિણના રાજયોમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્ન કર્યો છે. આગામી દિવસોમાં તામિલનાડુમાં સરકાર રચવા માટે ટીવીકે પાર્ટીના અભિનેતા વિજયને કોઈનો ટેકો જરૂરી બને તો અન્નાડીએમકે સાથે જોડાણ થઈ શકે છે. આમ આ રાજયમાં પણ ભાજપને અન્નાડીએમકે સાથે સતા શેર કરવાની તક મળશે. પશ્ર્ચિમ બંગાળનો વિજય એ ભાજપ માટે સૌથી મોટો સીમાચિહન જેવો વિજય છે. વિપક્ષમાં મમતા બેનરજી એક મજબૂત અને લડાયક નેતા તરીકે સ્થાન ધરાવતા હતા અને તેને જે રાજયમાં ભાજપને ટકકર આપી છે તે પણ સૌએ જોઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે આગામી વર્ષે 2027માં દેશનાં મહત્વના ગોવા, મણીપુર, પંજાબ, ઉતરાખંડમાં માર્ચ માસમાં ચુંટણી ડયુ થશે. સૌથી મોટા રાજય ઉતરપ્રદેશમાં મે માસમાં અને ગુજરાત, હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બર 2027માં ચુંટણી ડયુ છે અને
તેમાં પંજાબ તથા હિમાચલ સિવાયના રાજયોમાં ભાજપનું શાસન છે અને તેથી હવે આગામી વર્ષમાં ચુંટણીમાં જતા પહેલા ભાજપને માટે આ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. બીજી તરફ 2024માં જે રીતે ભાજપ અબ કી બાર 400 કે પારનો નારો ચુકી ગયુ હતું અને તેને મોટી પછડાટ મળી હતી તેમાં 116 બેઠકો એવી હતી કે જે પાંચ રાજયોમાં આવે છે અને તેમાં ભાજપને પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળમાં સૌથી વધુ પછડાટ સહન કરવી પડી છે અને તેથી આ વિજય બાદ ભાજપ માટે હવે આ રાજયોમાં લોકસભાની બેઠકો પણ તેને વધે તે નિશ્ર્ચિત કરશે. હાલમાં જ જે રીતે સરકારને લોકસભામાં મહિલા અનામત ખરડાની સાથે નવા સિમાંકનના ખરડામાં પરાજીત થવુ પડયુ તે સૌથી મોટો આંચકો છે. ભાજપ નવા સિમાંકનથી 2029માં વધુ મજબૂત બનવાની તૈયારીમાં હતો પણ તે ખરડો લોકસભામાં મંજુર થયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ પાંચ રાજયોના પરિણામો પછી ભાજપ 2029ની રાહ જોશે કે પછી આગામી વર્ષે દેશમાં મધ્યસત્ર ચુંટણીનો દાવ પણ ખેલી લે તો આશ્ર્ચર્ય થશે નહી. ભાજપના અનેક એજન્ડા તેની સંસદમાં ત્રણ ચતુર્થાંશ બહુમતી પણ આધાર રાખે છે અને તેથી જ હવે ભાજપ માટે નવો દાવ ખેલવો એ વધુ મહત્વનો બની રહેશે.

રિલેટેડ ન્યૂઝ